Baroda Dairy Election 2026: બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને સહકારી તેમજ રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ચૂંટણી પ્રક્રિયામાં કુલ નવ બેઠક બિનહરીફ જાહેર થઈ જતાં હવે સમગ્ર ધ્યાન ડેસર ઝોન-6ની બેઠક પર કેન્દ્રિત થયું છે. આ બેઠક પર ભાજપ સાથે જોડાયેલા બે ઉમેદવારો આમને સામને આવી જતાં ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનો જંગ જોવા મળશે.
કુલદીપસિંહ-સુરપાલસિંહ આમને સામને
ડેસર ઝોન-6માં હાલ બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે કાર્યરત કુલદીપસિંહ રાઉલજી અને ભાજપ સાવલી તાલુકા સંગઠન પ્રમુખ સુરપાલસિંહ પરમાર વચ્ચે સીધી ટક્કર થશે. બંને ઉમેદવારો ભાજપ સાથે જોડાયેલા હોવાને કારણે આ મુકાબલો રાજકીય રીતે પણ રસપ્રદ બની ગયો છે. સહકારી ક્ષેત્રમાં બરોડા ડેરીનું મહત્વપૂર્ણ સ્થાન હોવાથી આ ચૂંટણીને લઈને સહકારી આગેવાનો તેમજ રાજકીય નેતાઓની નજર પણ ટકી છે.
- કુલદીપસિંહ રાઉલજી હાલ બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે કામગીરી સંભાળી રહ્યા છે, અને સહકારી ક્ષેત્રમાં તેઓ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના અનુભવ અને કાર્યકાળને કારણે કેટલાક વર્ગોમાં તેમને મજબૂત ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે.
- બીજી તરફ સુરપાલસિંહ પરમાર ભાજપના સાવલી તાલુકા સંગઠન પ્રમુખ તરીકે કાર્યરત હોવાથી સંગઠનમાં તેમની મજબૂત પકડ ગણવામાં આવે છે. સંગઠનાત્મક આધારને કારણે તેઓ પણ આ ચૂંટણીમાં દમદાર પડકાર આપી રહ્યા છે.
9 બેઠક બિનહરીફ, માત્ર 4 ઝોનમાં ચૂંટણી
ગતરોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. જોકે બંને ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ન ખેંચતાં હવે ડેસર ઝોન-6ની બેઠક માટે ચૂંટણી અનિવાર્ય બની ગઈ છે. જેના કારણે આ બેઠક પર સીધો મુકાબલો નિશ્ચિત થયો છે. બરોડા ડેરી સહકારી ક્ષેત્રની મહત્વપૂર્ણ સંસ્થા હોવાથી તેની ચૂંટણી હંમેશા ચર્ચાનો વિષય બને છે.
આ પણ વાંચો: Vadodara: બરોડા ડેરી ચૂંટણી માટે હવે માત્ર 4 ઝોનમાં થશે સીધી ટક્કર, 9 બેઠક બિનહરીફ જાહેર થઈ
નોંધનીય છે કે, બરોડા ડેરીની ડિરેક્ટર મંડળની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. અંતિમ દિવસે કુલ 14 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા 9 બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે. હવે બાકી રહેલી 4 ઝોનની બેઠક માટે ચૂંટણી યોજાશે, જેમાં કુલ 8 ઉમેદવારો મેદાનમાં રહેશે. આ વખતે નવ બેઠક બિનહરીફ જાહેર થતાં માત્ર ડેસર ઝોનની ચૂંટણી પર જ સૌની નજર છે. ભાજપ સામે ભાજપના આ રસપ્રદ જંગમાં અંતે કોણ જીતશે તે હવે મતદાન બાદ જ સ્પષ્ટ થશે.
