Vadodara: બરોડા ડેરી ચૂંટણી માટે હવે માત્ર 4 ઝોનમાં થશે સીધી ટક્કર, 9 બેઠક બિનહરીફ જાહેર થઈ

આગામી 18 માર્ચ, બુધવારના રોજ બરોડા ડેરીની ચૂંટણી માટે ચાર ઝોનમાં મતદાન થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 07 Mar 2026 04:37 PM (IST)Updated: Sat, 07 Mar 2026 04:37 PM (IST)
baroda-dairy-elections-for-only-4-zones-9-seats-declared-uncontested-vadodara
HIGHLIGHTS
  • બરોડા ડેરીની ચૂંટણીમાં 9 બેઠક બિનહરીફ
  • અંતિમ દિવસે 14 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
  • આગામી 18 માર્ચ, બુધવારના રોજ મતદાન થશે

Baroda Dairy Election 2026: બરોડા ડેરીની ડિરેક્ટર મંડળની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. અંતિમ દિવસે કુલ 14 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા 9 બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે. હવે બાકી રહેલી 4 ઝોનની બેઠક માટે ચૂંટણી યોજાશે, જેમાં કુલ 8 ઉમેદવારો મેદાનમાં રહેશે.

14 ઉમેદવારોએ  ફોર્મ પરત ખેંચ્યા 

બરોડા ડેરીની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 14 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા. આ પ્રક્રિયા પૂર્ણ થતા હવે માત્ર 4 ઝોનની બેઠક માટે જ મતદાન થશે. આ ચાર ઝોનમાં કુલ 8 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા છે. આ ચારેય ઝોનમાં ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા હોવાથી ચૂંટણી રસપ્રદ બની છે.

આ બેઠકો પર થશે સીધી ટક્કર

બરોડા ડેરીની ચૂંટણીમાં કેટલીક બેઠકો પર સીધી ટક્કર જોવા મળશે. વડોદરા ઝોનમાં હિતેશ પટેલ અને પાર્થિવ પટેલ વચ્ચે ચૂંટણી જંગ થશે. ડેસર ઝોનમાં કુલદીપસિંહ રાઉલજી અને સુરપાલસિંહ પરમાર વચ્ચે કાંટાની ટક્કર થશે. ડભોઇ ઝોનમાં વર્તમાન ડિરેક્ટર દીક્ષિત પટેલ સામે પ્રહલાદભાઈ પટેલ ચૂંટણી લડશે, જ્યારે પાવી જેતપુર ઝોનમાં રણજીતસિંહ રાઠવા અને ગેમલ રાઠવા વચ્ચે મુકાબલો થશે.

કુલ 9 બેઠક બિનહરીફ જાહેર થઈ

બીજી તરફ, કેટલીક બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ચૂંટણી પ્રક્રિયા સરળ બની છે. કરજણ ઝોનમાંથી પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ બિનહરીફ જાહેર થયા છે. તે ઉપરાંત ડેસર વિસ્તારમાંથી જ્યોતીન્દ્રસિંહ પરમાર અને સંખેડા બેઠક પરથી રમેશભાઈ બારીયા પણ બિનહરીફ જાહેર થયા છે.

સહકારી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ચૂંટણી

બરોડા ડેરીની આ ચૂંટણી સહકારી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે થયેલા રાજકીય ફેરફારોને કારણે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે. હવે બાકી રહેલી ચાર બેઠકો માટે ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે અને સહકારી ક્ષેત્રમાં આ ચૂંટણી પર સૌની નજર રહેશે. આવનારા દિવસોમાં ઉમેદવારો પ્રચાર તેજ કરશે.