બરોડા ડેરી ચૂંટણી: મોડા મોડા મેન્ડેટ પર રાજકીય ગરમાવો, 6 બેઠકો બિનહરીફ થયા બાદ ઉમેદવારો જાહેર

મળતી માહિતી મુજબ પક્ષ દ્વારા સતીશ પટેલ, શૈલેષ પટેલ, રણજીત રાઠવા, રામસિંગ પરમાર અને સૂરપાલસિંગને સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યો છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 06 Mar 2026 12:09 PM (IST)Updated: Fri, 06 Mar 2026 12:09 PM (IST)
vadodara-news-baroda-dairy-polls-spark-political-buzz-after-6-seats-go-uncontested

Vadodara News: વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં મહત્વ ધરાવતી બરોડા ડેરીની ચૂંટણી પ્રક્રિયા વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રક્રિયા આગળ વધી રહી છે ત્યારે મોડા મોડા પક્ષ તરફથી મેન્ડેટ આપવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને છ બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ પક્ષ દ્વારા ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હોવાથી રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ પક્ષ દ્વારા સતીશ પટેલ, શૈલેષ પટેલ, રણજીત રાઠવા, રામસિંગ પરમાર અને સૂરપાલસિંગને સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ મેન્ડેટ ગઈકાલે મોડી સાંજે જિલ્લા પ્રમુખ દ્વારા મૌખિક સૂચના આધારે આપવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પક્ષ દ્વારા આ રીતે મોડું મેન્ડેટ આપવામાં આવતા સહકારી અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

આ વચ્ચે વધુ એક બેઠક બિનહરીફ જાહેર થઈ હોવાનું સામે આવ્યું છે. સાવલી બેઠક પરથી બે ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા આ બેઠક બિનહરીફ થઈ ગઈ છે. પરિણામે સાવલી બેઠક પરથી કેતન ઇનામદાર જૂથના ઉમેદવાર રામસિંગ પરમાર બિનહરીફ જાહેર થયા છે.

બરોડા ડેરીની ચૂંટણી હંમેશા રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ ચૂંટણીમાં સહકારી ક્ષેત્ર સાથે રાજકીય સમીકરણો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ વખતે પણ ચૂંટણી પહેલા જ કેટલાક ઉમેદવારો બિનહરીફ જાહેર થતા રાજકીય સમીકરણો અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.

સહકારી ક્ષેત્રમાં પ્રભાવ ધરાવતી બરોડા ડેરીની ચૂંટણી પર જિલ્લાના રાજકીય નેતાઓ તેમજ દૂધ ઉત્પાદક મંડળીઓની નજર ટકેલી છે. આગામી દિવસોમાં અન્ય બેઠકો પર પણ સ્પર્ધા કેવી રીતે રહે છે તે મુદ્દે રાજકીય ચર્ચાઓ વધુ તેજ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.