વડોદરામાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી: રાવપુરા અને ગોરવા પોલીસે 8 આરોપીઓને પકડી જેલભેગા કર્યા

વડોદરામાં શાંતિ ભંગ કરનારા 8 અસામાજિક તત્વો સામે રાવપુરા અને ગોરવા પોલીસે લાલ આંખ કરી ધરપકડ કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 30 Sep 2026 11:38 AM (IST)Updated: Wed, 30 Sep 2026 11:38 AM (IST)
vadodara-police-arrest-anti-social-elements-gorwa-rawpura-assault-case

Vadodara News: સંસ્કારી નગરી વડોદરામાં શાંતિ ભંગ કરનારા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારની સ્પષ્ટ સૂચના અનુસાર ગોરવા અને રાવપુરા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરીને મારામારીના બનાવોમાં કુલ 8 અસામાજિક તત્વોની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો છે.

પ્રથમ ઘટનામાં છૂટ્ટા હાથની મારામારી

પ્રથમ બનાવની વાત કરીએ તો, તા. 29 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8:30 વાગ્યાના સુમારે ગોરવા શાક માર્કેટ ખાતે પથારો કરનાર વેપારી અને શાકભાજી ખરીદવા આવેલા ઇસમો વચ્ચે વજન વધારે આપવા મુદ્દે તકરાર થઈ હતી. નજીવી બાબતે ઉગ્ર બનેલા ગ્રાહકે 15 થી 20 લોકોનું ટોળું બોલાવી લીધું હતું. આ ટોળાએ માર્કેટમાં આતંક મચાવી બે શાકભાજીના પથારાવાળાને મારમારી તમામ શાકભાજી રસ્તા પર ફેંકી દઈ નુકસાન પહોંચાડ્યું હતું.

પોલીસે ચાર લોકો સામે કાર્યવાહી કરી

ઘટના અંગે જાણ થતાં જ ગોરવા પોલીસ તાત્કાલિક સ્થળ પર ધસી ગઈ હતી અને છૂટા હાથની મારામારી કરી રહેલા ચાર આરોપીઓ શેખ સદ્દામ અલ્તાઉદ્દીન, શેખ સરફુદ્દીન અલ્તાઉદ્દીન (બંને રહે. શમશેરનગર, ગોરવા) તેમજ સુરજ રામુભાઈ વર્મા અને ધીરજ રામુભાઈ વર્મા (બંને રહે. રૂષીનગર, ગોરવા)ને ઘટનાસ્થળેથી જ ઝડપી પાડી BNSS. કલમ 170 મુજબ અટકાયત કરી હતી.

બીજી ઘટનામાં ગાળો દઈ મારામારી કરી

બીજી ઘટનામાં, ગત તા. 23 સપ્ટેમ્બરે રાવપુરા વિસ્તારના બદામડી બાગ પાસે જ્યુપિટર સ્કૂટર પર જઈ રહેલા યુવકને ફોરવ્હીલરમાં આવેલા ચાર શખ્સોએ આંતરી ગાળો આપી ઝઘડો કર્યો હતો. ઝપાઝપી દરમિયાન કાળા ટી-શર્ટવાળા શખ્સે બેલ્ટ વડે યુવકના કપાળના ભાગે માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.

પોલીસે 4 લોકોને ઝડપી લીઘા

રાવપુરા પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓ અદનાન ખોખર, મોહમદ સાજીદખાન પઠાણ, અલ્તાફ ઉર્ફે અક્કુ પઠાણ અને મોહીબખાન પઠાણની ધરપકડ કરી હતી. શહેરમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરનારા ગુંડા તત્વો સામે પોલીસની આ સપાટાબંધ કાર્યવાહીથી વેપારીઓ અને સ્થાનિક નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે.