Vadodara News: વડોદરાના છેવાડે આવેલા જાણીતા આજવા ફન વર્લ્ડમાં 12 વર્ષ પહેલાં સર્જાયેલી એક ગંભીર દુર્ઘટના મામલે વડોદરા ગ્રાહક કમિશને પીડિત વિદ્યાર્થીનીની તરફેણમાં અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. ગ્રાહક આયોગે આજવા ફન વર્લ્ડ મેનેજમેન્ટ અને ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપનીને સંયુક્ત રીતે તબીબી ખર્ચ અને નુકસાન પેટે રૂ. 20 લાખનું વળતર ચૂકવવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
આ પણ વાંચો
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાની ફાર્મસી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જહાન્વી પરીખ સપ્ટેમ્બર 2014માં પોતાના કોલેજના મિત્રો સાથે પ્રવાસ અર્થે આજવા ફન વર્લ્ડ ગઈ હતી. ફન વર્લ્ડમાં 'બ્રેક-ડાન્સ' નામની જોયરાઇડમાં બેસતી વખતે અચાનક રાઇડનું સેફ્ટી લોક તૂટી ગયું હતું, જેના કારણે જહાન્વી ચાલુ રાઇડમાં સીટ પરથી નીચે પટકાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં તેને કરોડરજ્જુ, માથા અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમજ બંને હાથમાં ફ્રેક્ચર થયું હતું.
સારવાર પાછળ 12 લાખનો ખર્ચ
આ દુર્ઘટના બાદ જહાન્વીને એક મહિનાથી પણ વધુ સમય હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું. તેના પરિવારે તેની સારવાર પાછળ રૂ. 12 લાખથી વધુનો ખર્ચ કર્યો હતો. આટલી મોટી હોનારત હોવા છતાં ફન વર્લ્ડ કંપની દ્વારા વીમા પેટે માત્ર રૂ. 2 લાખ ચૂકવીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગંભીર ઇજાઓને કારણે જહાન્વી પોતાની મહત્વની પરીક્ષા આપી શકી ન હતી અને તેને કાયમી શારીરિક ખામીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
પીડિતાને 20 લાખ ચૂકવવાનો આદેશ
અન્યાય સામે લડત આપતા જહાન્વીના પરિવારે જૂન 2015માં વડોદરા ગ્રાહક આયોગમાં આજવા ફન વર્લ્ડ અને ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની સામે રૂ. 20 લાખના વળતર માટે ફરિયાદ દાખલ કરી હતી. લાંબી કાનૂની લડત બાદ ગ્રાહક કમિશને ફન વર્લ્ડની ગંભીર બેદરકારીને ગ્રાહક સેવા ખામી ગણાવીને પીડિતાને પૂરેપૂરું રૂ. 20 લાખનું વળતર આપવાનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદાથી એમ્બ્યુઝમેન્ટ પાર્ક્સની સુરક્ષા વ્યવસ્થા સામે લાલબત્તી ધરાઈ છે.
