વડોદરા: પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે દૂધના વેપારી સાથે રૂ. 17.75 લાખની ઠગાઈ, એજન્ટ જીલ બારોટની ધરપકડ

વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ મકાન અપાવવાના નામે દૂધના વેપારી સાથે રુ. 17.75 લાખની છેતરપિંડી થઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 16 Oct 2026 02:28 PM (IST)Updated: Fri, 16 Oct 2026 02:28 PM (IST)
vadodara-pmay-scam-milk-trader-cheated-17-lakh-agent-jil-barot-arrested

Vadodara News: વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ મકાન અપાવવાના બહાને એક દૂધના વેપારી સાથે રૂ. 17.75 લાખની મોટી છેતરપિંડી આચરાઈ હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે બોગસ દસ્તાવેજો અને સરકારી સિક્કાવાળી રસીદો બનાવી ઠગાઈ આચરનાર ઠગ એજન્ટ જીલ બારોટ સામે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદીને આપી બે મકાનની લાલચ

બનાવની વિગત અનુસાર, વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં રહેતા 46 વર્ષીય દૂધના વેપારી સુરેશભાઈ ગુપ્તાને સંસ્કારી નગરી નજીક આવેલા ખટંબા સ્થિત ‘અર્બન રેસિડેન્સી’માં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બે મકાન અપાવવાની લાલચ આરોપી જીલ બારોટે આપી હતી. આરોપીએ મકાન દીઠ રૂ. 11 લાખ લેખે બે મકાનના કુલ રૂ. 22 લાખમાં સોદો નક્કી કર્યો હતો.

આરોપીને 17.75 લાખ ચૂકવ્યા

આરોપી જીલ બારોટની વાતોમાં આવી જઈને સુરેશભાઈ ગુપ્તાએ ફેબ્રુઆરી 2026 દરમિયાન ટોકન રકમ પેટે ચેક તથા RTGS મારફતે અલગ-અલગ હપ્તામાં કુલ રૂ. 17.75 લાખ આરોપીને ચૂકવી દીધા હતા. દૂધના વેપારીનો વિશ્વાસ સંપાદિત કરવા માટે ચાલાક આરોપી જીલ બારોટે સમા સબ રજિસ્ટ્રાર કચેરીના સરકારી સીલ અને સિક્કાવાળા બોગસ દસ્તાવેજો તેમજ રસીદો બનાવીને સુરેશભાઈને સોંપી દીધી હતી.

આરોપીએ આપેલા ચેક બાઉન્સ થયા

જોકે, દસ્તાવેજો મળ્યા બાદ સુરેશભાઈને શંકા જતાં તેમણે સમા સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે રૂબરૂ જઈને તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપીએ આપેલા તમામ દસ્તાવેજો અને સીલ સંપૂર્ણપણે બોગસ અને નકલી હતા. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતાં સુરેશભાઈએ જીલ બારોટ પાસે પોતાના નાણાં પરત માગ્યા હતા. આરોપીએ પૈસા ચુકવવા માટે બે ચેક આપ્યા હતા, પરંતુ તે બેંકમાં જમા કરાવતાં બાઉન્સ થયા હતા.

વેપારીએ નોંધાવી પોલીસ ફરિયાદ

છેવટે, છેતરપિંડીનો ભોગ બનેલા વેપારી સુરેશભાઈ ગુપ્તાએ આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપી જીલ બારોટની ધરપકડ કરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તથા અન્ય કોઈ લોકો આ રીતે છેતરાયા છે કે નહીં તે દિશામાં ઘેરી તપાસ શરૂ કરી છે.