Vadodara News: વડોદરા સ્થિત GMERS હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કેન્ટિનમાં પ્રેશર કૂકર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. કેન્ટીનમાં વહેલી સવારે રસોઈ બનાવતી વખતે અચાનક પ્રેશર કૂકર ધડાકાભેર ફાટતાં ત્યાં કામ કરતી એક મહિલા શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, વહેલી સવારે જ્યારે કેન્ટીનમાં દૈનિક રસોઈ કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક વધારે પડતા પ્રેશરને કારણે કૂકર ફાટ્યું હતું. આ અકસ્માતમાં નજીક જ કામ કરી રહેલી મહિલા શ્રમિક કૂકરના ગરમ બાફ અને ખોરાકની લપેટમાં આવી જતાં ચહેરા અને આંખના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ હતી. ઘટનાને પગલે કેન્ટીન પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં તેમની સારવાર ચાલુ છે.
હોસ્પિટલ જેવી અત્યંત સંવેદનશીલ અને જવાબદાર જગ્યાએ આવેલી આ કેન્ટીનમાં કામ કરતા શ્રમિકો માટે પ્રાથમિક સેફટીના સાધનો કે સુરક્ષા વ્યવસ્થાનો તદ્દન અભાવ જોવા મળ્યો હતો. કેન્ટીનમાં કામદારોની સુરક્ષા માટે ન તો ગ્લોવ્ઝ, ચહેરા માટેના પ્રોટેક્ટિવ શિલ્ડ કે ન તો પ્રાથમિક સારવાર (First Aid) માટેની કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ હતી. આ કેન્ટીન સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. સ્થાનિકો અને શ્રમજીવી સંગઠનો દ્વારા આ ઘટનાના દોષિતો સામે તાત્કાલિક યોગ્ય તપાસ કરી પગલાં ભરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.
