PM Modi Vadodara Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 8 સપ્ટેમ્બરના રોજ વડોદરાની મુલાકાતે છે, જેને લઈને વહીવટી તંત્ર અને રાજકીય સ્તરે તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે દિશા કમિટીની બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાનના કાર્યક્રમ તેમજ જિલ્લાના વિકાસકાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરીને વહેલી તકે કામો પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા હતા.
દિશા કમિટી અને નેશન ફર્સ્ટની બેઠકોનો દોર શરૂ
જિલ્લા પંચાયત ભવન ખાતે મળેલી દિશા કમિટીની આ મહત્વની બેઠકમાં વડોદરાના સાંસદ હેમાંગ જોશી, સ્થાનિક ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વડાપ્રધાનના કાર્યક્રમને સફળ બનાવવા વેરિફિકેશન અને વહેંચણી અંગે વ્યૂહરચના ઘડવામાં આવી હતી. આ સાથે જ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારમાં રોડ, પાણી અને આંગણવાડી સહિત અન્ય માળખાકીય વિકાસના કામોની સમિક્ષા કરી પાયાની સુવિધાઓ ઝડપથી પૂરી પાડવા આદેશ કરવામાં આવ્યા છે.
બીજી તરફ, વડોદરાના સર્કિટ હાઉસ ખાતે 'નેશન ફર્સ્ટ' પ્રોજેક્ટ અંતર્ગત પણ એક વિશેષ બેઠક યોજાઈ હતી. જેમાં નીચે મુજબના ઈન્દુ ફાઉન્ડેશનના ડાયરેક્ટર અને નેશન ફર્સ્ટના પ્રોજેક્ટ હેડ ડો. વિજય શાહ, વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ, ડે. મ્યુનિ. કમિશનર અક્ષય પુદાનિયા, શહેર ભાજપ મહામંત્રી રમેશ પટેલ અને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર નવીનસિંગ જેતાવત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં વિવિધ યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. ગત વર્ષે 'નેશન ફર્સ્ટ' હેઠળ યોજાયેલ 5 દિવસીય ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેનાર યુવાનો અને વિદ્યાર્થીઓ આ ભવ્ય કાર્યક્રમમાં જોડાવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે યુવાનોને ખાસ સંબોધન કરવાના છે, જેનાથી યુવાધન નવીન દિશા અને માર્ગદર્શન મેળવી શકશે.
પ્રવેશ માટે ડિજિટલ પ્રોટોકોલ અને QR કોડ સિસ્ટમ
આ આયોજનમાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા અત્યાધુનિક ડિજિટલ પ્રોટોકોલ ગોઠવવામાં આવ્યો છે. કાર્યક્રમ સ્થળે પ્રવેશ મેળવવા માટે કેટલાક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે:
ડિજિટલ રજીસ્ટ્રેશન: પ્રવેશ મેળવનાર વ્યક્તિએ પૂર્વ ડિજિટલ રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
ઓળખ ચકાસણી: એન્ટ્રી પોઈન્ટ પર ફરજિયાત ઓળખ ચકાસણી કરવામાં આવશે.
QR કોડ પાસ: પ્રવેશ માટે QR કોડ આધારિત ડિજિટલ પાસની વ્યવસ્થા કરાઈ છે.
પોલીસ એક્શન મોડમાં, સઘન સર્ચ ઓપરેશન શરૂ
વડાપ્રધાનના સંભવિત પ્રવાસને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો સંપૂર્ણપણે સક્રિય થઈ ગઈ છે. સુરક્ષાના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન અત્યંત તેજ કરી દેવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો દ્વારા શહેરની તમામ હોટલ, લોજ અને ગેસ્ટ હાઉસમાં અચાનક સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
હોટલમાં રોકાયેલા પ્રત્યેક વ્યક્તિના રજીસ્ટરની ઝીણવટભરી તપાસ સાથે સ્થળ પર જ તેમના આધારકાર્ડ અને સત્તાવાર ઓળખપત્રોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હોટલ સંચાલકો દ્વારા મહેમાનોની વિગતો નિયમિત ઓનલાઈન પોર્ટલ પર અપલોડ થાય છે કે નહીં અને રિસેપ્શન, મેઈન ગેટ અને એક્ઝિટ માર્ગોના CCTV કેમેરા ચાલુ હાલતમાં છે કે નહીં તેની ગત કેટલાક દિવસોના રેકોર્ડિંગ સાથે ચકાસણી કરી છે.
માત્ર હોટલ જ નહીં, પરંતુ વડોદરા શહેરમાં પ્રવેશવાના તમામ મુખ્ય માર્ગો અને બોર્ડર વિસ્તારો પર પણ સઘન વાહન ચેકિંગ ઓપરેશન શરૂ કર્યું છે. સરહદ પરથી પસાર થતા તમામ શંકાસ્પદ વાહનોને અટકાવીને ચાલકોના દસ્તાવેજો અને સામાનની તલાશી લેવાઈ રહી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ-અલગ સ્પેશિયલ ટીમો બનાવીને કાયદો વ્યવસ્થાની કડક જાળવણી માટે હોટલ સંચાલકોને કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તુરંત પોલીસ સ્ટેશને જાણ કરવા તાકીદ કરી છે.
