વડોદરાના પાદરામાં રક્ષાબંધન પૂર્વે હૃદયદ્રાવક ઘટના: ભાઈને વીજ કરંટ લાગતા બચાવવા ગયેલી બહેનનું પણ કરૂણ મોત

વડોદરાના પાદરા તાલુકાના મુજપુરમાં રક્ષાબંધન પર્વ પહેલા ગોઝારી દુર્ઘટના ઘટી છે. વહેલી સવારે મંદિરે દર્શને જતા ભાઈને વીજ કરંટ લાગતા બચાવવા ગયેલી બહેનનું પણ કરંટ લાગવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 16 Aug 2026 11:04 AM (IST)Updated: Sun, 16 Aug 2026 11:04 AM (IST)
vadodara-padra-mujpur-siblings-electrocuted-to-death-before-rakshabandhan

Vadodara News: વડોદરા શહેરના પાદરા તાલુકાના મુજપુર રેલેપુરા વિસ્તારમાંથી આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પવિત્ર રક્ષાબંધન પર્વ પૂર્વે જ ઘર આંગણે બનેલી આ આકસ્મિક ઘટનાએ સમગ્ર પરિવાર અને પંથકને હચમચાવી દીધો છે. રાજપીપળા દર્શન કરવા માટે વહેલી સવારે નીકળેલા ભાઈ અને બહેનને વીજ કરંટ લાગતા બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતાં. આ ભયાનક દુર્ગટનાને પગલે સમગ્ર મુજપુર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

25 વર્ષીય યુવાનને મંદિરે જતાં કરંટ લાગ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, મુજપુર રેલેપુરા વિસ્તારમાં રહેતા પરિવારના ઘરની પાછળ આવેલા મંદિર ખાતે જવા માટે 25 વર્ષીય યુવાન જયદીપ પઢિયાર આજે વહેલી સવારે આશરે 5:30 વાગ્યે દર્શન કરવા માટે નીકળ્યો હતો. રસ્તે જતી વેળાએ અચાનક તેને ભારે કરંટ લાગ્યો હતો. ભાઈને અચાનક વીજ આંચકો લાગતા તેની બૂમ નીકળી ગઈ હતી.

ભાઈને બચાવવા જતાં બહેનને કરંટ લાગ્યો

આ સમગ્ર કરૂણ ઘટના જયદીપની બહેન મિત્તલ પઢિયારની નજર સામે જ ઘટી હતી. પોતાની નજર સમક્ષ ભાઈ મુસીબતમાં મુકાયેલો જોઈને બહેન મિત્તલ તરત જ ભાઈને બચાવવા માટે દોડી આવી હતી. જોકે, કાળની કઠિન ક્રૂરતા કહો કે દુર્ભાગ્ય, ભાઈને બચાવવાના પ્રયાસ દરમિયાન મિત્તલ પણ વીજ કરંટની ઝપેટમાં આવી ગઈ હતી. કરંટ એટલો તીવ્ર અને ગંભીર હતો કે, બંને ભાઈ-બહેનને સંભળાવવાનો કે બચવાનો કોઈ મોકો મળ્યો નહોતો અને ઘટનાસ્થળે જ બંનેના પ્રાણપંખેરૂ ઉડી ગયા હતા.

ભાઈ-બહેનના મૃતદેહને પીએમ માટે ખસેડ્યા

વહેલી સવારે બનેલી આ ગોઝારી ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પાદરા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પાદરા પોલીસ મથકનો કાફલો ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થિતિનું પંચનામું કરી અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. તેમજ બંને ભાઈ-બહેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.

પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ

રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી હતા, ત્યારે જ ભાઈ-બહેને એકસાથે દુનિયા છોડી દેતા પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. માતા-પિતા અને સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. એકસાથે બે યુવાન સંતાનો ગુમાવનાર શોકાતુર પરિવારને સાંત્વના આપવા માટે આખો પંથક એકત્ર થયો છે અને આ ઘટનાથી સમગ્ર મુજપુર રેલેપુરા વિસ્તારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.