Vadodara News: પાદરા તાલુકાના કરખડી ગામની સીમમાં આવેલી ક્યુબેક કંપનીમાં કામ કરતા એક શ્રમિક કામદારનું અચાનક શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક તિથોર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ મૃતકના પરિવારજનો અને ગ્રામજનોમાં કંપની સામે ભારે આક્રોશ ફેલાયો છે. પરિવારજનોએ કંપની પ્રબંધન પાસે ન્યાય અને યોગ્ય વળતરની માંગ સાથે કંપનીના મુખ્ય ગેટ પર જ મૃતદેહ મૂકીને ઉગ્ર હોબાળો મચાવ્યો હતો અને ધરણાં શરૂ કર્યા હતા.
કંપની સામે પરિવારજનોનો આક્ષેપ
પ્રાપ્ત માહિતી અનુસાર, તિથોર ગામના અરવિંદભાઈ રામસંગભાઈ કરખડી સ્થિત ક્યુબેક કંપનીમાં ફરજ બજાવતા હતા. ડ્યુટી દરમિયાન અચાનક તેમની તબિયત લથડતા કે કોઈ દુર્ઘટના સર્જાતા તેમનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યો કે, કંપની દ્વારા આ ગંભીર દુર્ઘટના અંગે માહિતી આપવામાં આવી નહોતી. ઉપરાંત પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, કંપનીની લાપરવાહીના કારણે કલાકો સુધી મૃતદેહ કંપનીના પરિસરમાં અથવા ગેટ બહાર રઝળતો રહ્યો હતો.
ગેટ બહાર લોકટોળું એકત્ર, તણાવપૂર્ણ સ્થિતિ
ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો અને મૃતકના સ્વજનો ક્યુબેક કંપનીના ગેટ બહાર આવી પહોંચ્યા હતા. ઘટનાસ્થળે લોકટોળું ઉમટી પડતા વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પરિવારજનોની મુખ્ય માંગ હતી કે, મૃતકના પરિવારને આર્થિક સહાય અને યોગ્ય વળતર મળવું જોઈએ. તેમજ આ અકસ્માત કે મૃત્યુ પાછળની વાસ્તવિક હકીકત બહાર લાવવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ.
તપાસ બાદ સાચી હકીકત આવશે બહાર
કંપનીમાં કામદારનું મોત અકસ્માતે થયું છે કે તેની પાછળ અન્ય કોની બેદરકારી છે, તે અંગે પોલીસ તપાસ અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર મામલાની સાચી હકીકત સ્પષ્ટ થઈ શકશે. તંત્ર દ્વારા આ મામલે નિષ્પક્ષ તપાસની ખાતરી આપીને મામલો થાળે પાડવાના પ્રયાસો ચાલુ છે.
