Vadodara: દશામાની આગમન યાત્રામાં ફાયર સ્ટંટ કરતો યુવક આગમાં લપેટાતા અફરાતફરી મચી, ચમત્કારિક બચાવ

વડોદરામાં દશામાની આગમન યાત્રા દરમિયાન ફાયર સ્ટંટ કરતો એક યુવક અચાનક આગની લપેટમાં આવી ગયો હતો, જેના કારણે યાત્રામાં અફરાતફરી મચી ગઈ. જોકે, આસપાસના લોકોની સમયસૂચકતાથી યુવકનો આબાદ બચાવ થયો અને મોટી દુર્ઘટના ટળી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 02 Aug 2026 05:27 PM (IST)Updated: Sun, 02 Aug 2026 05:27 PM (IST)
vadodara-news-youths-caught-in-flames-during-dasha-maa-yatra-fire-stunt

Vadodara: આગામી તા. 13 ઓગસ્ટથી દશામાંના પવિત્ર વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેને લઈને સમગ્ર વડોદરા શહેરમાં ભારે ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સાર્વજનિક દશામાં ઉત્સવની તૈયારીઓ રૂપે દશામાંની આગમન યાત્રાઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ છે.

ભક્તિભાવ અને ઉમંગ વચ્ચે ગઇકાલે મોડી સાંજે એક ભવ્ય દશામાંની આગમન યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. પરંપરાગત વાજતે-ગાજતે અને વિવિધ આકર્ષક વેશભૂષા સાથે નીકળેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહી હતી, પરંતુ આ આનંદ અને ઉત્સાહના માહોલ વચ્ચે એક એવી ઘટના બની ગઈ જેનાથી થોડીવાર માટે યાત્રામાં દોડધામ મચી ગઈ હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ન્યાયમંદિર વિસ્તારથી ખંડેરાવ માર્કેટ તરફ જઈ રહેલી દશામાંની ભવ્ય યાત્રા દરમિયાન કેટલાક યુવાનો દ્વારા ઉત્સાહમાં આવીને સ્ટંટ પ્રદર્શિત કરવામાં આવી રહ્યા હતા. આ યાત્રામાં કેટલાક યુવાનો દ્વારા ફાયર સ્ટંટ કરવામાં આવી રહ્યા હતા. આજ સ્ટંટ કરી રહેલા યુવાનો પૈકી એક યુવાન અચાનક આગની લપેટમાં આવી ગયો હતો. યુવાન અગ્નિની ચપેટમાં આવતા જ યાત્રામાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જોકે આ ગંભીર પરિસ્થિતિમાં યાત્રામાં સાથે ચાલી રહેલા અને આસપાસના અન્ય લોકો તથા યુવાનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત અને સમજદારીપૂર્વક યુવાન પરની આગ પર કાબૂ મેળવી લીધો હતો. સમયસૂચકતા દાખવીને તાત્કાલિક પગલાં લેવાયા હોવાને કારણે સદભાગ્યે યુવાનનો આબાદ બચાવ થયો હતો અને કોઈ મોટી જાનહાનિ ટળી હતી. આ અકસ્માતમાં યુવાનને ઈજાઓ પહોંચી છે કે કેમ અને તેની સ્થિતિ કેવી છે તે અંગે વિગતો મેળવવામાં આવી રહી છે.

આ ઘટના બનતાની સાથે જ યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે ધાર્મિક ઉત્સવો કે શોભાયાત્રાઓમાં આ પ્રકારે જોખમી સ્ટંટ કરવા કેટલા યોગ્ય છે. ધાર્મિક આસ્થા અને ઉત્સવના પ્રતીક સમાન આવી યાત્રાઓમાં યુવાનો દ્વારા કરાતા આવા સાહસો અકસ્માતનું કારણ બની શકે છે.

સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના ન ઘટતા ઉપસ્થિત લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ આ ઘટનાએ આયોજકો અને યુવાનો માટે એક મોટો લાલબત્તી સમાન કિસ્સો પૂરો પાડ્યો છે.