Vadodara Mahakali Temple: વડોદરા શહેરની મધ્યમાં આવેલા માંડવી વિસ્તારની શામળ બેચરની પોળમાં સ્થિત ઐતિહાસિક શ્રી મહાકાળી માતાજીના મંદિરે આગામી કાળી ચૌદશના પવિત્ર પર્વે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે શ્રદ્ધાળુઓ માટે મહાકાળી માતાજીને શક્તિ અને સંહારના પ્રતીક સમી દક્ષિણ કાળીનું ભવ્ય સ્વરૂપ આપવામાં આવશે.
દર વર્ષે કાળી ચૌદશ નિમિત્તે માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવે છે, ત્યારે આ વર્ષનું સ્વરૂપ ભક્તો માટે અલૌકિક અનુભૂતિ કરાવનારું બનશે. આ વર્ષે ગ્રહ-નક્ષત્રોનો શુભ અને ઉત્તમ યોગ સર્જાતો હોવાથી કાળી ચૌદશના આખો દિવસ દર્શન તેમજ પૂજન-અર્ચન માટે અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યો છે.
સારા નક્ષત્રના શુભ પ્રભાવને કારણે ભક્તો સવારે 7:30 કલાકથી લઈને રાત્રે 8:30 કલાક સુધી નિરાંતે પોતાની બાધા-આખડી મુજબ માતાજીને લીંબુના હાર ચઢાવી શકશે. સામાન્ય રીતે ચોક્કસ મુહૂર્ત પૂરતી જ પૂજા-અર્ચના થતી હોય છે, પરંતુ આ વર્ષે સવારથી રાત સુધી સતત લીંબુના હાર અને રાશિફળ ચઢાવવાની સુવિધા મળશે.
શાસ્ત્રો અને લોક માન્યતા મુજબ, કાળી ચૌદશના દિવસે મહાકાળી માતાજીને લીંબુના હાર ચઢાવવાનું વિશેષ મહત્વ છે. માતાજીના આશીર્વાદ અને કૃપાથી શત્રુઓનો નાશ થાય છે, કામણ-ટુમણ કે નકારાત્મક ઊર્જા દૂર થાય છે તથા જીવનમાં કે વેપાર-ધંધામાં આવતા પ્રગતિના તમામ અવરોધોમાંથી મુક્તિ મળે છે. રક્ષણ અને કારકિર્દી-સમૃદ્ધિ અર્થે શ્રદ્ધાળુઓ અહીં માથા ટેકવવા ઉમટી પડે છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારથી ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને દર્શનની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સવારથી રાત સુધી દર્શનાર્થીઓ માટે સુગમતા રહે તે અર્થે લાઈન-વ્યવસ્થા અને સુરક્ષાના તકેદારીના પગલાં લેવાયા છે. શામળ બેચરની પોળ આ દિવસે ભક્તિમય વાતાવરણ અને માતાજીના જયઘોષથી ગુંજી ઉઠશે.
