અટલાદરા BAPS મંદિર 8100 દીપકોની અલૌકિક રોશનીથી ઝળહળ્યું: 81 વર્ષની સ્મૃતિમાં લાભ પાંચમ સુધી દીપોત્સવનો દિવ્ય પ્રારંભ

વડોદરાના અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરમાં 8100 દીપકો પ્રગટાવીને દસ દિવસીય દીપોત્સવનો પ્રારંભ થયો છે. મંદિરના 81 વર્ષ પૂર્ણ થવાના અવસરે 5 નવેમ્બરથી 14 નવેમ્બર સુધી આ પ્રકાશપર્વ ઉજવાશે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 06 Nov 2026 05:18 PM (IST)Updated: Fri, 06 Nov 2026 05:18 PM (IST)
vadodara-atladara-baps-swaminarayan-temple-illuminated-with-8100-lamps-for-diwali-celebrations

Atladara BAPS Temple Deepotsav: બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સ્વામિનારાયણ મંદિર, અટલાદરા ખાતે આજે રમણીય અને ભક્તિસભર વાતાવરણમાં દીપાવલી પર્વનો શુભારંભ થયો છે. ભારતીય સનાતન પરંપરા અનુસાર કોઈપણ મંગળ કાર્યની શરૂઆત અજવાળું પથરાતા દીપ પ્રાગટ્યથી થાય છે.

તેજ દિવ્ય પરંપરાને અનુસરીને મંદિરે દસ દિવસીય ઉત્સવ શ્રંખલાનો આરંભ કર્યો છે. 5 નવેમ્બરના રમા એકાદશીના પવિત્ર દિવસથી શરૂ થયેલો આ પ્રકાશપર્વનો ઉત્સવ આગામી તારીખ 14 નવેમ્બર, લાભ પાંચમ સુધી શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવાશે.

અટલાદરા સ્થિત સ્વામિનારાયણ મંદિર છેલ્લા 81 વર્ષથી સમગ્ર વડોદરા પંથક અને આસપાસના વિસ્તારમાં માત્ર અખંડ આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ માનવસેવા અને સમાજસેવા માટેનું પણ એક આગવું ધામ બની રહ્યું છે. આ 81 વર્ષની ઉજ્જવળ અને ભાવસભર સ્મૂતિઓને યાદગાર બનાવવાના હેતુથી આજે મંદિર પરિસરમાં કુલ 8100 દીપકો પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા.

આ મહા દીપ પ્રાગટ્યમાં 7,000 LED દીપક તથા 1,100 પરંપરાગત કોડિયાના દીવડાઓનો સમાવેશ થતો હતો. મંદિરના બાળ-બાલિકાઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ અત્યંત ભક્તિભાવપૂર્વક આ દીવડાઓ પ્રજ્વલિત કર્યા હતા. જ્યારે એકસાથે તમામ 8100 દીપકો ઝળહળી ઉઠ્યા, ત્યારે સમગ્ર મંદિર પરિસરમાં જાણે સાક્ષાત તારામંડળ અવનિ પર ઉતરી આવ્યું હોય તેવો અદ્ભુત અને મનમોહક નજારો સર્જાયો હતો.

આ ઉપરાંત દીપાવલી ઉત્સવ નિમિત્તે સમગ્ર મંદિર પરિસરની મુખ્ય ઈમારતો અને શિખરો પર આકર્ષક વિદ્યુત દીપ લાઈટિંગ થી રોશની કરવામાં આવી છે. રાત્રિના સમયે ઝળહળતી આ વિદ્યુત રોશની મંદિર દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ તેમજ રોડ પરથી પસાર થતા રાહદારીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. સમગ્ર વડોદરા શહેર આ દિવ્ય પ્રકાશમાં ભક્તિમય બની ગયું છે.