રોશનીના પર્વ પર મોંઘવારીનું ગ્રહણઃ દિવાળી ટાણે કમરતોડ ભાવ વધારાથી તહેવારોની ખુશીઓ ફીકી, ખાંડ-ઘી અને CNGએ બગાડી મજા

દિવાળીના તહેવારો પૂર્વે ગુજરાતમાં, ખાસ કરીને વડોદરામાં, મોંઘવારીનો માર પડ્યો છે. ખાંડ, અમૂલ ઘી, બટર અને CNGના ભાવ વધતા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું તહેવારી બજેટ ખોરવાયું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 06 Nov 2026 04:53 PM (IST)Updated: Fri, 06 Nov 2026 04:53 PM (IST)
diwali-inflation-2026-sugar-ghee-and-cng-price-hike-hits-festive-budget-hard

Diwali Inflation 2026: દિવાળીના પર્વની તૈયારીઓ વચ્ચે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં સામાન્ય અને મધ્યમ વર્ગના ગ્રાહકોને મોંઘવારીના એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. ઘરોમાં તહેવાર માટે મીઠાઈ અને ફરસાણ બનાવવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે ખાંડના ભાવમાં એક જ મહિનામાં પ્રતિ કિલો રૂ. 4થી વધુનો વધારો નોંધાયો છે. આ સાથે જ અમૂલના ઘી અને બટરના ભાવોમાં પણ વધારો થતાં રસોડાનું ગણિત બગડ્યું છે.

બીજી તરફ વાહનવ્યવહારના ખર્ચમાં પણ વધારો થયો છે. વડોદરા અને અમદાવાદ સહિતના શહેરોમાં CNGના ભાવમાં ફરી વધારો થતાં મુસાફરી મોંઘી બની છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ અને ઇંધણના ભાવ એકસાથે વધવાથી પરિવારોના તહેવારી બજેટ પર આર્થિક દબાણ વધ્યું છે.

ઉપભોક્તા બાબતોના મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, દેશમાં ખાંડનો સરેરાશ છૂટક ભાવ વધીને આશરે રૂ. 59.50 પ્રતિ કિલો અને જથ્થાબંધ ભાવ રૂ. 55.40 પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે. જો વાર્ષિક સરખામણી કરીએ તો, એક વર્ષ અગાઉ દેશમાં ખાંડનો સરેરાશ છૂટક ભાવ રૂ. 46.50 હતો, જે હવે વધીને રૂ. 59.50 થયો છે, એટલે કે બાર મહિનામાં બારેક રૂપિયાનો મોટો ઉછાળો આવ્યો છે.

વડોદરાના સ્થાનિક બજારોમાં પણ ગ્રાહકોએ ખાંડ માટે વધુ કિંમત ચૂકવવી પડી રહી છે. 2025-26ની સીઝનમાં ખાંડનું ઉત્પાદન અપેક્ષા કરતા ઓછું રહેવું, શેરડીના પાકને થયેલું નુકસાન, તહેવારોમાં વધતી માંગ અને સંગ્રહખોરી જેવા કારણોસર ભાવ ઉચકાયા છે.

આ તરફ ગુજરાતની સહકારી સંસ્થા GCMMF દ્વારા દિવાળી પહેલાં અમૂલ બ્રાન્ડના ઘી અને બટરના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. નવા દર મુજબ, એક લિટર અમૂલ ઘીનો ભાવ રૂ. 630થી વધારીને રૂ. 680 કરવામાં આવ્યો છે, જ્યારે ગાયના ઘીનો ભાવ રૂ. 735 થયો છે.

આ ઉપરાંત 500 ગ્રામ અમૂલ ટેબલ બટરનો ભાવ વધીને રૂ. 325 પર પહોંચ્યો છે. દૂધના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો હોવાનું કારણ આપી આ ભાવવધારો કરાયો છે. દિવાળીમાં વાનગીઓ બનાવવા માટે ઘી અને બટર અનિવાર્ય હોવાથી આ વધારા સીધા જ રસોડાના ખર્ચ પર અસર કરી રહ્યા છે.