Vadodara: પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે રૂ. 28.55 લાખની ઠગાઈ, ભાજપ નેતાના પુત્ર સહિત 3 સામે વધુ એક ફરિયાદ

વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સસ્તા ફ્લેટ અને દુકાનો અપાવવાની લાલચ આપીને બે વૃદ્ધ બહેનો સાથે રૂ. 28.55 લાખની છેતરપિંડી થઈ છે. આ મામલે ભાજપ નેતાના પુત્ર કશ્યપ જોષી સહિત ત્રણ શખ્સો સામે લક્ષ્મીપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 06 Nov 2026 04:26 PM (IST)Updated: Fri, 06 Nov 2026 04:26 PM (IST)
vadodara-news-bjp-leader-son-booked-in-rs-2855-lakh-pradhan-mantri-awas-yojana-fraud

Vadodara News: વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સસ્તા ભાવે ફ્લેટ અને દુકાનો અપાવવાની લાલચ આપીને વૃદ્ધ બહેનો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાયલી વિસ્તારમાં આવાસ યોજનાના કૌભાંડમાં નિવૃત્ત મહિલા અને તેમના બહેન પાસેથી રૂ. 28.55 લાખ પડાવી લેવા અંગે ભાજપના નેતાના પુત્ર કશ્યપ જોષી સહિત ત્રણ શખ્સો સામે લક્ષ્મીપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. 

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, લક્ષ્મીપુરાની 'શિવાલય રેસિડેન્સી'માં રહેતા 64 વર્ષીય નિવૃત્ત મહિલા શાલીની ગણપતિ ભાનુ જૂન-2024માં પોતાની બહેન સવિતાબેન માટે મકાનની શોધમાં હતા. આ દરમિયાન તેમનો સંપર્ક સુભાનપુરા સ્થિત 'સંદીપ એસ્ટેટ'ની ઓફિસમાં રોહન લક્ષ્મણસિંહ સોલંકી સાથે થયો હતો. રોહને તેના મિત્ર જીલ અશોક બારોટ મારફતે ભાયલી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સસ્તા ભાવે ફ્લેટ અપાવવાની ખાતરી આપી હતી.

જે બાદ આરોપીઓએ ફ્લેટની સાથે ગ્રાઉન્ડ ફ્લોરની બે દુકાનો પણ રૂ. 15 લાખમાં અપાવવાની લાલચ આપી હતી. જેથી વિશ્વાસમાં આવીને શાલીનીબેને દુકાનો માટે પ્રથમ ચેકથી રૂ. 8 લાખ અને ત્યારબાદ ઓનલાઈન તથા સ્કેનર મારફતે મળી કુલ રૂ. 20.55 લાખ ચૂકવ્યા હતા. જ્યારે તેમની બહેન સવિતાબેને સી-404 નંબરનો ફ્લેટ ખરીદવા માટે રૂ. 8 લાખ આપ્યા હતા. આમ બંને બહેનો પાસેથી આરોપીઓએ કુલ રૂ. 28.55 લાખ મેળવી લીધા હતા.

આ સમગ્ર વ્યવહારમાં જીલ બારોટના કહેવાથી ભાજપ નેતાના પુત્ર કશ્યપ રાકેશકુમાર જોષીએ દુકાનો અને ફ્લેટ અંગેના બાનાખત પણ કરાવી આપ્યા હતા. જોકે, નાણાં ચૂકવી દીધા બાદ પણ લાંબા સમય સુધી વેચાણ દસ્તાવેજ કરી આપવા કે મિલકતનો કબજો સોંપવામાં આવ્યો નહોતો.

પીડિત બહેનોએ જ્યારે પોતાના નાણાં પરત માંગ્યા ત્યારે આરોપીઓએ રકમ પરત ન આપીને પોતાના અંગત ઉપયોગમાં લઈ છેતરપિંડી આચરી હતી. આખરે આ મામલે શાલીનીબેને જીલ બારોટ, રોહન સોલંકી અને કશ્યપ જોષી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.