Gandhinagar Kidnapping Case: ગાંધીનગરમાં એક જ પખવાડિયામાં એક બાદ એક ત્રણ લોકો ગુમ થવાની ઘટના સામે આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે. શહેરના અલગ-અલગ વિસ્તારો તેમજ ગ્રામ્ય પંથકમાંથી 21 વર્ષીય બે યુવતીઓ અને એક યુવક શંકાસ્પદ સંજોગોમાં ગુમ થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી અપહરણનો ગુનો નોંધી પોલીસ ટીમો તપાસમાં લાગી છે.
વાવોલ: 21 વર્ષીય હિનલબાનું શંકાસ્પદ અપહરણ
ગાંધીનગરના વાવોલ ખાતે આવેલ કિર્તીધામ સોસાયટીમાં રહેતી 21 વર્ષીય હિનલબા ઘનશ્યામસિંહ વાઘેલાનું અજાણ્યા ઈસમ દ્વારા શંકાસ્પદ સંજોગોમાં અપહરણ કરવામાં આવ્યું છે. ગત 1 નવેમ્બરના રોજ સવારે હિનલબા પોતાના ઘરેથી વાવોલમાં ફ્લિપકાર્ટ ઓફિસે નોકરી અર્થે એક્ટિવા લઈને નીકળ્યા હતા.
બાદમાં યુવતીના પિતાને ATM કાર્ડની જરૂરિયાત ઊભી થતાં તેમણે ઓફિસે જઈને તપાસ કરી, પરંતુ યુવતી ત્યાં હાજર મળી ન હતી. પરિવારજનોએ યુવતીના મોબાઈલ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેણે થોડીવારમાં ઓફિસ પરત ફરવાનું જણાવ્યું હતું. પરંતુ થોડા સમય બાદ તેનો ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો હતો. મેનેજરે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, યુવતી ગત 31 ઓક્ટોબરથી જ રજા પર હતી.
સેક્ટર-30: 21 વર્ષીય દિવ્યા રહસ્યમય રીતે ગુમ
બીજી એક ઘટનામાં સેક્ટર-30 માં મકાન નંબર 842/3 માં રહેતા વિલાસબેન દિલાવરસિંહ ડાભીની 21 વર્ષીય પુત્રી દિવ્યા શંકાસ્પદ સંજોગોમાં રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ છે. ગત 13 ઓક્ટોબરના રોજ રાત્રિના આશરે સાડા આઠ વાગે દિવ્યા ઘરની બહાર ગેલેરીમાં બેસી હતી. પરિવારના સભ્યો જમીને બહાર આવ્યા ત્યારે દિવ્યા ત્યાં જોવા મળી નહોતી.
પરિવારે સગા-સંબંધીઓ અને આસપાસના વિસ્તારમાં ભારે શોધખોળ કરવા છતાં તેની કોઈ ભાળ મળી ન હતી. આ અંગે અગાઉ 20 ઓક્ટોબરના રોજ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધાવવામાં આવી હતી, પરંતુ સઘન તપાસ બાદ પણ યુવતીનો કોઈ પત્તો ન લાગતા આખરે અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે.
વડોદરા ગામ: કાળુજી ઠાકોર નામનો યુવક થયો ગુમ
ગાંધીનગર તાલુકાના વડોદરા ગામેથી પણ એક યુવક શંકાસ્પદ સંજોગોમાં ગુમ થયો હતો. વડોદરા ગામના સુરાજીનામાઢ ખાતે રહેતા રામાજી ચેહરાજી ઠાકોરનો 22 વર્ષીય પુત્ર કાળુજી ગત 23 ઓક્ટોબરના રોજ સવારે એક્ટિવા લઈને ચિલોડા GEB ખાતે લાઈટ બિલ ભરવા નીકળ્યો હતો. ત્યારબાદ તેણેકાળીબેનના ફોન પરથી સંપર્ક કરીને લાઈટ બિલ ભરી દીધું હોવાનું અને ગાંધીનગર જઈને પરત આવતોહોવાનું પરિવારને જણાવ્યું હતું.
જોકે, ત્યારપછી યુવકનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો અને તે ઘરે પરત ફર્યો નહોતો. પરિવારના જણાવ્યા અનુસાર, કાળુજીને મગજની બિમારી છે અને હિંમતનગરની હેત હોસ્પિટલમાંથી તેની સારવાર ચાલે છે. અગાઉ 2 વર્ષ પહેલાં પણ તે આ જ રીતે કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો અને પરત આવ્યો હતો. પરંતુ આ વખતે લાંબો સમય વીતી જતા આખરે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
