Vadodara News: સંસ્કારી નગરી વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક વચ્ચે અવારનવાર વિચિત્ર બનાવો સામે આવતા રહે છે, ત્યારે તાજેતરમાં ફતેગંજ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફતેગંજ સ્થિત સેફ્રોન ટાવર પાસે આવેલા જાણીતા 'બુલ સર્કલ' પર એક યુવકે સરેઆમ રસ્તા વચ્ચે ભારે તાયફો મચાવતા મોટો તમાશો સર્જાયો હતો. વ્યસ્ત અને ટ્રાફિકથી સતત ધમધમતા આ રોડ પર યુવકના આ પ્રકારના અનિચ્છનીય વર્તનને કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે કુતુહલ ફેલાઈ ગઈ હતી.
અર્ધ નગ્ન હાલતમાં બળદના સ્ટેચ્યુ પર ચઢ્યો યુવક
પ્રાપ્ત માહિતી અનુસાર, ફતેગંજ વિસ્તારના સૌથી વ્યસ્ત માર્ગ પર આવેલા બુલ સર્કલ પર અચાનક એક યુવકે અર્ધ નગ્ન હાલતમાં વિચિત્ર હરકતો કરવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં આ યુવક સર્કલની મધ્યમાં સ્થાપિત વિશાળ બળદના સ્ટેચ્યુ પર ચઢી ગયો હતો. ટ્રાફિકથી ભરચક અને વાહનોની સતત અવરજવર વાળા આ રોડ પર યુવક સ્ટેચ્યુ પર ઉભા રહીને મોટેથી બૂમાબૂમ કરવા લાગ્યો અને તમાશો કરવા માંડ્યો હતો.
મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા, ટ્રાફિકજામની સ્થિતિ
બળદના સ્ટેચ્યુ પર અર્ધ નગ્ન યુવકને આ રીતે જોઈને માર્ગ પરથી પસાર થતા લોકો ચોંકી ઉઠ્યા હતા. થોડી જ વારમાં યુવકનો આ તમાશો જોવા માટે રસ્તાની બંને બાજુએ લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી. રોડ વચ્ચે લોકોના ટોળા ઉમટી પડવાને કારણે ફતેગંજ વિસ્તારના આ મુખ્ય માર્ગ પર થોડા સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો અને ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકોમાં આ યુવક કોણ છે અને તેણે આવું પગલું કેમ ભર્યું તેની ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ ગઈ હતી.
પોલીસે મોરચો સંભાળી યુવકને નીચે ઉતાર્યો
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફતેગંજ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ યુવકને સમજાવી બળદના સ્ટેચ્યુ પરથી સલામત રીતે નીચે ઉતાર્યો હતો.
પોલીસે તાત્કાલિક યુવકને પોતાની કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ અર્થે પોલીસ સ્ટેશન ખસેડ્યો હતો. યુવકે આ પ્રકારનું અણછાહ્યું વર્તન કેમ કર્યું? શું તે માનસિક અસ્થિર હતો કે નશાની હાલતમાં હતો? તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને કારણે આખા વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
