Vadodara: બે દિવસ બાદ વડોદરાવાસીઓનો પ્રિય તહેવાર નવરાત્રી શરૂ થવા જઈ રહ્યો છે, જેને લઈને ગરબા આયોજકો અને ખેલૈયાઓએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. બીજી તરફ વડોદરા પોલીસ પણ સજ્જ થઈ ગઈ છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા ખાત પોલીસની SHE ટીમ ગરબા ગ્રાઉન્ડમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ટપોરીઓ પર વૉચ રાખશે.
ગરબા ગ્રાઉન્ડમાં જો કોઈ અસામાજિક તત્વ દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવશે, તો મહિલા પોલીસની SHE ટીમ દ્વારા રોમિયોને પાઠ ભણાવવામાં આવશે. આ માટે કેટલીક મહિલા પોલીસ ચણિયાચોળી પહેરીને ગરબા ગ્રાઉન્ડમાં તૈનાત રહેશે. નવરાત્રી દરમિયાન ગરબા ગ્રાઉન્ડ તેમજ બહાર પણ દરેક વ્યક્તિ પર બાજ નજર રાખવામાં આવશે.
ગરબાના મેદાનથી માંડીને સ્ટેજ, પાર્કિંગ અને ફૂડ સ્ટોલ પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે. આ ઉપરાંત ફાયર સેફ્ટીને લઈને પાર્કિંગ તેમજ ઈમરજન્સી એક્ઝિટ જેવી વ્યવસ્થા રાખવા માટે ગરબા આયોજકોને સૂચના આપી દેવામાં આવી છે.
આ અંગે વિગતો આપતા વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરાના ગરબા ગ્રાઉન્ડ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. આ સાથે જ મેદાન પર જરૂરી તમામ વ્યવસ્થાઓનું પણ ધ્યાન રાખવામાં આવશે. ખેલૈયાઓની સુરક્ષા તેમજ મહિલાઓની સેફટી પર વધારે ધ્યાન આપવામાં આવશે. જેના માટે શી ટીમની મહિલા પોલીસ કર્મીઓ ગરબાના મેદાનમાં ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહેશે. જેના કારણે અસામાજિક તત્વો તેમજ ગેરકાયદેસર પ્રવૃતિઓને અટકાવી શકાય."
આ નવરાત્રી દરમિયાન લોકો તેમના ઘેર સુરક્ષિત રીતે પહોંચે તેના માટે પણ પોલીસ મદદરૂપ બનશે રસ્તામાં જો કોઈનો વાહન બગડે અથવા તો કોઈ અન્ય મુશ્કેલી ઊભી થાય તો તરત જ 100 નંબર ડાયલ કરીને અથવા તો પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસ પાસેથી લિફ્ટ કે મદદ લઈ શકે છે.
