Padra Stray Cow Attack: પાદરા તાલુકાના જાસપુર ગામે ખેત મજૂરી કરવા ગયેલા મહિલાને રખડતા પશુએ અડફેટે લેતા તેમણે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે. આ બનાવને કારણે સમગ્ર પંથકમાં રોષ અને શોકનું મોજું ફરી વળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, પાદરા તાલુકાના ઉમરાયા ગામની નવીનગરીમાં રહેતા કોકીલાબેન સનાભાઈ પઢિયાર (61) ગત 10મી તારીખે બપોરના સમયે ખેત મજૂરી અર્થે જાસપુર ગામની સીમમાં ગયા હતા. આ દરમિયાન આવલ્યા તરફ જવાના કેનાલ વાળા રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક રખડતી ગાયે તેમને શિંગડે ચડાવ્યા હતા.
આ પણ વાંચો
જેમાં રખડતી ગાયનું શિંગડું કોકીલાબેનને વાગતા તેઓ સ્થળ પર જ બેહોશ થઈને ઢળી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની ગંભીરતા જોઈને તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડૉક્ટરો દ્વારા તેમને બચાવવા માટેના પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેઓ જીવન સામેનો જંગ હારી ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.
આ કરુણ ઘટના અંગે પાદરા પોલીસ મથક દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ વડોદરા શહેર અને સમગ્ર જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ દિન-પ્રતિદિન વકરતો જઈ રહ્યો છે.
અગાઉ પણ અનેક નિર્દોષ નાગરિકો આ રખડતા પશુઓની અડફેટે ચડીને જીવ ગુમાવી ચૂક્યા છે અથવા ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. અવારનવાર નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ બનતી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ જ નક્કર કે ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્રની આ ઉદાસીનતા અને નિરસ વલણને કારણે સ્થાનિક રહીશો અને ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
