Khambha Leopard Rescue: અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં વનવિભાગની ટીમે પોતાની સૂઝબૂઝ અને સાહસનો પરિચય આપી એક ઘાયલ દીપડાનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું છે.
તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડ હેઠળ આવતી ચીખલકુબા કેમ્પ સાઇટ નજીક વડલી વાળા રોડ પર આવેલા કોઝવેના સિમેન્ટના બ્લોક (ભૂંગળા)માં એક બીમાર અને ગંભીર રીતે ઘાયલ દીપડો ભરાઈ ગયો હોવાની માહિતી વનવિભાગને મળી હતી.
જેના આધારે સ્થળ પર પહોંચેલી વનવિભાગની ટીમે જોયું કે, દીપડો કોઝવેના સાંકડા બ્લોકની અંદર એવી સ્થિતિમાં બેઠો હતો. આટલું જ નહીં, ત્યાં સીધું પાંજરું ગોઠવીને તેને પૂરવો શક્ય નહોતો. દીપડો અતિશય બીમાર અને ઈજાગ્રસ્ત હોવાથી તેને તાત્કાલિક બહાર કાઢી સારવાર આપવી અનિવાર્ય હતી. આ સંજોગોમાં વનવિભાગે સમયસૂચકતા વાપરીને એક નવતર કિમીયો અજમાવ્યો હતો..
વનકર્મીઓએ કોઝવેના ભૂંગળાના મુખ આગળ લોખંડનો મજબૂત પલંગ આડો ગોઠવી દીધો હતો, જેથી દીપડો અચાનક બહાર ધસી આવી કોઈના પર હુમલો ન કરી શકે. લોખંડના પલંગની આડશ રાખીને નિષ્ણાત સ્ટાફ દ્વારા દીપડા પર સચોટ નિશાન સાધી તેને ટ્રાન્ક્વીલાઈઝ (બેભાન) કરવામાં આવ્યો હતો. દીપડો સંપૂર્ણ બેભાન થતાં જ વનકર્મીઓએ તેને સુરક્ષિત રીતે બહાર કાઢી પાંજરામાં પૂરી લીધો હતો.
પડકારજનક સ્થિતિમાં વનવિભાગના અધિકારીઓ તેમજ સ્ટાફે પરસેવો પાડીને આ રેસ્ક્યૂ ઓપરેશન સફળ બનાવ્યું હતું. રેસ્ક્યૂ કરાયેલા ઘાયલ દીપડાને તાત્કાલિક વધુ સારવાર અર્થે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે,
