Vadodara Boss Scam Zydex GM: વડોદરા શહેરમાં સાયબર ક્રાઈમનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગોત્રી-સેવાસી રોડ પર આવેલી જાણીતી ‘ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીના જનરલ મેનેજર (GM)ને નિશાન બનાવી સાયબર ઠગોએ રૂ. 1,03,52,412ની રકમ પડાવી લીધી છે. ઠગોએ કંપનીના ડિરેક્ટરના નામે બોગસ વોટ્સએપ પ્રોફાઈલ બનાવીને આ આખું કાવતરું રચ્યું હતું.
કંપનીમાં છેલ્લા ચાર વર્ષથી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા સુભાષ ગુપ્તાએ આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગત 9 ઓક્ટોબરના રોજ બપોરે આશરે 1:30 વાગ્યે ગુપ્તા તેમની ઓફિસમાં હાજર હતા, ત્યારે તેમના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો.
આ મેસેજ કરનારના વોટ્સએપ DPમાં કંપનીના ડિરેક્ટર ડો. અજય રાનકાનો ફોટો અને નામ રાખવામાં આવ્યું હતું. આ સાથે જ સામેથી મેસેજ કરનારે એવું જણાવ્યું હતું કે, "હું અત્યારે એક મહત્વની મીટિંગમાં વ્યસ્ત છું, તેથી કોઈએ મને ફોન કરવો નહીં. મીટિંગ પૂરી થયા પછી હું સામેથી ફોન કરીશ. જનરલ મેનેજરે પ્રોફાઈલ ફોટો જોઈને તે ડિરેક્ટર ડો. અજય રાનકા જ છે તેમ માની લીધું હતું અને મેસેજનો પ્રત્યુત્તર આપ્યો હતો.
જે બાદ ઠગે અર્જન્ટ પેમેન્ટના નામે બેંક એકાઉન્ટની વિગતો મોકલીને રૂ 25,60,901 ટ્રાન્સફર કરવા સૂચના આપી હતી. સુભાષ ગુપ્તાએ કંપનીના એસોસિયેટ મેનેજર મિનેષ દેસાઈને જણાવતા કંપનીના DBS બેંક ખાતામાંથી એક્સિસ બેંકના ખાતામાં તે રકમ જમા કરાવાઈ હતી. જે બાદ ઠગોએ વધુ નાણાં પડાવવાના ઈરાદે વારંવાર નવી બેંક વિગતો મોકલીને બીજું ટ્રાન્ઝેક્શન રૂ. 18,40,905, ત્રીજું ટ્રાન્ઝેક્શન રૂ. 23,90,105 અને ચોથું ટ્રાન્ઝેક્શન કંપનીના સિટી બેંક ખાતામાંથી રૂ. 35,60,501 કરાવ્યું હતું. આમ કુલ ચાર ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 1.03 કરોડથી વધુની રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં જમા કરાવી લેવામાં આવી હતી.
કંપનીની નિયમ મુજબ બેંકિંગ વ્યવહારો માટે ડિરેક્ટરો (ડો. અજય રાનકા, પૂજા રાનકા અથવા મૌલિક રાનકા)ની મંજૂરી જરૂરી હોય છે, પરંતુ ડિરેક્ટરના નામે જ મેસેજ આવતા અધિકારીઓ છેતરાયા હતા. પૂર્વઆયોજિત કાવતરાનો ભોગ બન્યા હોવાની જાણ થતાં જ સુભાષ ગુપ્તાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઈમ પોલીસે મેસેજ મોકલનાર મોબાઈલ નંબર અને નાણાં મેળવનાર બેંક ખાતાધારકોની વિગતો મેળવી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
