Vadodara: ખેંચ આવતા મોંઢું ખોલવા માટે મૂકેલો સિક્કો ગળામાં ફસાઈ ગયો, ગુંગળામણથી યુવતીએ તડપી-તડપીને દમ તોડ્યો

યુવતીને ખેંચ આવતા લોક થઈ ગયેલું જડબું ખોલવા માટે પરિવારે મોંઢામાં સિક્કો મૂક્યો હતો. મૃતકને સંધિવા, બ્રેઈન હેમરેજ અને કિડનીમાં ઈન્ફેક્શન જેવી અનેક બીમારીઓ હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 21 Mar 2026 05:24 PM (IST)Updated: Sat, 21 Mar 2026 05:24 PM (IST)
vadodara-news-woman-dies-after-coin-used-to-open-jaw-gets-stuck
HIGHLIGHTS
  • મધ્ય પ્રદેશની યુવતીને ત્રણ દિવસ પહેલા જ સારવાર માટે SSG હોસ્પિટલમાં લવાઈ હતી
  • 5 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી, પરિવારમાં કલ્પાંત

Vadodara: શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી મધ્ય પ્રદેશની એક 29 વર્ષીય યુવતીનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું છે. યુવતીને ખેંચ (આંચકી) આવતા તેના દાંત ખોલવા માટે પરિવારજનોએ ચલણી સિક્કાનો ઉપયોગ કર્યો હતો, જે આકસ્મિક રીતે ગળામાં ફસાઈ જતાં યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મધ્ય પ્રદેશના ખરગોન વિસ્તારની રહેવાસી ગંગા આકાશ રોકડે (29)ને અચાનક ખેંચ આવતા પરિવારજનો ગભરાઈ ગયા હતા. ખેંચ દરમિયાન જડબું લોક થઈ જતાં તેને ખોલવા માટે મોઢામાં ચલણી સિક્કો મૂકવાનો પ્રયાસ કરાયો હતો.

કમનસીબે, આ સિક્કો મોઢામાંથી સીધો ગળાના ભાગે ઉતરી ગયો હતો. ગૂંગળામણ અને તબિયત લથડતા તેને તાત્કાલિક સ્થાનિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

જ્યાંથી વધુ સારવાર માટે તેને ઇન્દોર અને ત્યાર બાદ ત્રણ દિવસ પહેલાં વડોદરાની સયાજી હોસ્પિટલના મેડિસિન વિભાગમાં ખસેડવામાં આવી હતી. સયાજી હોસ્પિટલના તબીબોએ મહિલાને બચાવવા માટે સતત ત્રણ દિવસ સુધી પ્રયાસો કર્યા હતા, પરંતુ ગતરોજ સારવાર દરમિયાન તેણે તડપી-જદમ તોડ્યો હતો.

અન્ય બીમારીઓ પણ કારણભૂત હોવાની આશંકા

આ અંગે મૃતકના સસરા દિનેશભાઈએ જણાવ્યું હતું કે, ગંગાબેનને છેલ્લા ત્રણ વર્ષથી ગઠિયા (સંધિવા)ની બીમારીથી પીડાતી હતી. તેને કિડનીમાં ઇન્ફેક્શન હતું અને જમવાનું પણ પચતું નહોતું. કરોડરજ્જુમાં પાણી ભરાઈ ગયું હતું અને બ્રેઈન હેમરેજ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી.

માસૂમ બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી

ગંગાબેનના મૃત્યુથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકને પાંચ વર્ષની એક પુત્રી છે, જેણે નાની ઉંમરે માતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં સયાજી હોસ્પિટલ ખાતે મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે મોતનું કારણ ગળામાં ફસાયેલો સિક્કો છે કે અન્ય કોઈ બીમારી.