Vadodara: વડોદરાના કપુરાઈ પોલીસ મથકમાં ફરજ બજાવતી 27 વર્ષીય મહિલા કૉન્સ્ટેબલે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવતા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની પ્રિયંકાબેન પ્રજાપતિ (27) આજવા રોડ નજીક નવજીવન વિસ્તારમાં ભાડાના મકાનમાં એકલા રહેતા હતા. તેઓ છેલ્લા બે વર્ષથી વડોદરાના કપુરાઈ પોલીસ મથકમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
ફિઝિકલ ટેસ્ટમાં પાસ થતાં લેખિત પરીક્ષા માટે તૈયારી કરતાં હતા
આ પણ વાંચો
તાજેતરમાં જ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) માટે યોજાયેલી શારીરિક કસોટીમાં પ્રિયંકા પ્રજાપતિ પાસ થઈ ચૂક્યા હતા અને હાલ તેઓ લેખિત પરીક્ષાની તૈયારી કરવા માટે 10 દિવસથી રજા પર હતા.
ગઈકાલે રાતના 11 વાગ્યાના અરસામાં પ્રિયંકાની મહિલા મિત્ર લેખિત પરીક્ષાનું મટીરિયલ આપવા માટે તેમના ભાડાના મકાન પર પહોંચી હતી. જો કે દરવાજો ખખડાવવા છતાં કોઈ ઉત્તર ના મળતા તેમને શંકા ઉપજી હતી. આખરે દરવાજો તોડીને અંદર જઈને તપાસ કરતાં પ્રિયંકાબેન પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળી આવ્યા હતા.
આ બનાવની જાણ થતાં બાપોદ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ મોકલી તપાસ હાથ ધરી છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ આ બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અત્યારે પોલીસ દ્વારા પરિવારજનો અને સહકર્મચારીઓની પૂછપરછ કરીને આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
