Vadodara: વોટ્સએપ પર આવેલી લગ્નની કંકોતરીની APK ફાઈલ ખોલતા જ વડોદરાના વૃદ્ધે રૂ. 10.61 લાખ ગુમાવ્યા

વડોદરાના અકોટા વિસ્તારમાં 78 વર્ષીય વૃદ્ધ વોટ્સએપ પર આવેલી ડિજિટલ લગ્ન પત્રિકાની APK ફાઇલ ખોલતા સાયબર ઠગાઈનો ભોગ બન્યા. તેમના બે બેંક ખાતામાંથી તબક્કાવાર રૂ. 10.61 લાખ ઉપડી ગયા, જે અંગે તેમણે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 18 Sep 2026 05:53 PM (IST)Updated: Fri, 18 Sep 2026 05:53 PM (IST)
vadodara-news-whatsapp-wedding-card-scam-cheats-senior-citizen-of-over-rs-10-lakhs

Vadodara Cyber Fraud: વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતા 78 વર્ષીય સિનિયર સિટીઝન સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી આવેલી ડિજિટલ લગ્ન પત્રિકાની એક ફાઇલ ડાઉનલોડ કરીને ખોલતાં જ તેમના બે અલગ-અલગ બેંક ખાતામાંથી તબક્કાવાર રૂ. 10.61 લાખની રકમ ઉપડી ગઈ હતી.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પાર્ટટાઇમ નોકરી કરતા આ સિનિયર સિટીઝનને અગાઉ વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી લગ્નનું અતિથિ આમંત્રણ આપતો મેસેજ મળ્યો હતો. આ મેસેજ સાથે Wedding Invitation.apk નામની એક ફાઇલ મોકલવામાં આવી હતી.

સામાન્ય લગ્નનું કાર્ડ સમજીને તેમણે આ ફાઇલ ખોલી હતી, પરંતુ બાદમાં શંકા જતાં તેમણે બેંક ખાતું ચેક કર્યું હતું. તે સમયે કોઈ શંકાસ્પદ વ્યવહાર ન દેખાતાં તેમણે મેસેજ અને ફાઇલ ડિલીટ કરી દીધા હતા. જોકે, હકીકતમાં આ ફાઇલ દ્વારા ઠગોએ તેમના મોબાઈલમાં માલવેર ઇન્સ્ટોલ કરી દઈ બેકગ્રાઉન્ડ એક્સેસ મેળવી લીધો હતો.

ગત 12 સપ્ટેમ્બરની રાત્રે અચાનક વૃદ્ધના મોબાઈલ પર બેંક તથા વિવિધ ડિજિટલ સેવાઓના OTP અને વેરિફિકેશન કોડના મેસેજ આવવા લાગ્યા હતા. સતત આવી રહેલા મેસેજથી ચિંતિત થઈને જ્યારે તેમણે પોતાના એકાઉન્ટ તપાસ્યા ત્યારે અલગ-અલગ ટ્રાન્જેક્શન મારફતે 10.61 લાખ રૂપિયા ગાયબ થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું હતું.

આ બનાવની ગંભીરતા સમજીને તેમણે તુરંત બેંકોનો સંપર્ક કરી ઓનલાઈન ટ્રાન્જેક્શન સુવિધા બંધ કરાવી હતી અને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અજાણ્યા ઠગો સામે ફરિયાદ નોંધાવી હતી.

સાયબર નિષ્ણાતો આવી ઘટનાઓથી બચવા માટે ખાસ સલાહ આપે છે કે વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર અજાણ્યા નંબરોથી આવતી કોઈપણ .apk ફાઇલ ક્યારેય ડાઉનલોડ કરવી જોઈએ નહીં. આવી ફાઈલો મોબાઈલનો સંપૂર્ણ કંટ્રોલ હેકર્સને આપી દે છે.

કોઈપણ સંજોગોમાં શંકાસ્પદ એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરવી અને જો આવી કોઈ ઠગાઈનો ભોગ બનો તો તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી બેંક ખાતા અને ડિજિટલ સેવાઓ બ્લોક કરાવવી જોઈએ.