Gujarat Weather Forecast Today and Tomorrow | આજનું અને આવતીકાલનું હવામાન: ઉત્તર ગુજરાત પાસે અપર એ સાયક્લોનિક સર્ક્યુલેશન અને સૌરાષ્ટ્ર પાસે લો પ્રેશર એરિયા સક્રિય છે. આ સાથે જ મોન્સૂન ટ્રફ અસ્ત-વ્યસ્ત છે. જેના પગલે ગુજરાતના કેટલાક ભાગોમાં આજે સવારથી અણધાર્યો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આજે દાહોદ અને છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, વડોદરા, ખેડા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઇ શકે છે.
ગુજરાત નજીક બે વરસાદી સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્રની સપાટીથી 1.5 થી 3.1 કિલોમીટરની ઊંચાઈ પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. સૌરાષ્ટ્ર અને તેની સરહદે આવેલા પૂર્વોત્તર અરબી સમુદ્ર પર બનેલું લો-પ્રેશર ક્ષેત્ર અને તેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે નબળું પડી ગયું છે. હાલમાં નીચલા સ્તરે દક્ષિણથી દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. જો કે, મોન્સૂન ટ્રફ હાલમાં અસ્તવ્યસ્ત બન્યો છે.
બીજી તરફ, પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી આગામી 19 સપ્ટેમ્બર 2026 ની આસપાસ નૈઋત્યના ચોમાસાની વિદાય માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. ઉત્તર થાઈલેન્ડ પર સક્રિય અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન હાલમાં સમુદ્રની સપાટીથી 9.4 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. આ સિસ્ટમ 18 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં ઉત્તર આંદામાન સમુદ્રમાં પ્રવેશે તેવી શક્યતા છે, જેના પ્રભાવ હેઠળ 19 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં ત્યાં લો-પ્રેશર એરિયા (હવાનું હળવું દબાણ) સર્જાશે. ત્યારબાદ તે ધીમે-ધીમે મજબૂત બનીને આગામી 3 થી 4 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી સંભાવના છે.
આજે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગ અનુસાર, આજે 18 સપ્ટેમ્બર 2026ના રોજ દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, મહિસાગર, વડોદરા, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
19થી 24 સપ્ટેમ્બર હળવાથી મધ્યમ વરસાદની આગાહી
19થી 24 સપ્ટેમ્બર 2026 દરમિયાન આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ જ્યારે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
