અમદાવાદમાં સાંજે 4 થી 6 વાગ્યે ભારે વરસાદની આગાહી: AMC એલર્ટ મોડમાં, નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા કરી ખાસ અપીલ

અમદાવાદમાં આજે સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન ભારે વરસાદની આગાહી વચ્ચે AMC સતર્ક બન્યું છે. 235 સોસાયટીઓમાં પાણી ભરાયા અને અખબારનગર અંડરપાસ બંધ કરાયો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 18 Sep 2026 03:26 PM (IST)Updated: Fri, 18 Sep 2026 03:26 PM (IST)
ahmedabad-heavy-rain-forecast-4-pm-to-6-pm-amc-appeal

Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં આજે ફરી વાર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા આજ રોજ સાંજના 4 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન ભારે વરસાદીની આગાહી કરતાં અમદાવાદ મહાનગરપાલિકા સતર્ક બન્યું છે. અમદાવાદમાં હવામાન વિભાગની આગાહીને પગલે મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરવેએ અમદાવાદના નાગરિકોને બિન જરૂરી ઘરની બહાર ન નીકળવા અંગેની ખાસ અપીલ કરી છે.

અમદાવાદ શહેરમાં કેટલો નોંધાયો વરસાદ

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરવેના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં સરેરાશ 2 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેમાં સરખેજ, વાસણા અને કાલુપુર જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

પાણી ભરાવાની સ્થિતિ અંગે AMCની કામગીરી

અમદાવાદ શહેરમાં વરસાદની સાર્વત્રિક સ્થિતિ જોવા મળી છે. ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવેએ જણાવ્યું કે, અતિ વરસાદને લીધે જળ સ્તરને નિયંત્રિત કરવા માટે વાસણા બેરેજનું લેવલ ઘટાડીને 126.5 કરી દેવાયું. વરસાદી માહોલ વચ્ચે લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને અખબારનગર અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે.

235 સોસાયટીઓમાં પાણી ભરાયા

ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવેના જણાવ્યા અનુસાર, અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરન 235 સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. આથી તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ વાવાઝોડા અને વરસાદને લીધે શહેરમાં 48 જેટલા વૃક્ષો પડવાની ફરિયાદો મળી છે. આગામી કલાકોમાં વધારે વરસાદની આગાહીને લીધએ મનપા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તેમજ શહેરીજનોને સાવચેતી રાખવા અંગે પાલન કરવા અપીલ કરાઈ છે.