Vadodara News: વડોદરા શહેરના નાગરિકો માટે આગામી દિવસોમાં પાણીનો વપરાશ અત્યંત સાચવીને કરવો પડે તેવા અગત્યના સમાચાર સામે આવ્યા છે. મહીસાગર નદીના ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની તાકીદની કામગીરીને પગલે આવતીકાલ તા. 8 જૂનથી આગામી એક મહિના સુધી અડધા વડોદરા શહેરને પાણી કાપનો સામનો કરવો પડશે. જેને કારણે વડોદરાવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી શકે છે.
પંપોને દિવસ દરમિયાન 2થી 3 કલાક માટે બંધ રખાશે
વડોદરા મહાનગર પાલિકાના કાર્યપાલક ઇજનેર દ્વારા જાહેર કરવામાં આવેલી અગત્યની નોટિસ અનુસાર, મહીસાગર નદીમાં આવેલા રાયકા અને દોડકા ફ્રેન્ચવેલમાં મોટા પ્રમાણમાં રેતીનો જથ્થો આવી ગયો છે. આથી કૂવામાંથી રેતી કાઢવાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી અંદાજે 30 દિવસ સુધી ચાલવાની શક્યતા છે. સફાઈ દરમિયાન ફ્રેન્ચવેલ પર કાર્યરત પંપોને દિવસ દરમિયાન 2થી 3 કલાક માટે બંધ રાખવામાં આવશે, જેના કારણે પાણીનો સામાન્ય સપ્લાય ઘટશે.
કયા વિસ્તારોમાં પાણીની તંગી વર્તાશે?
આ કામગીરીને કારણે આગામી 30 દિવસ સુધી નીચે દર્શાવેલી ટાંકીઓ અને બૂસ્ટર હેઠળ આવતા કમાન્ડ વિસ્તારોમાં પાણી ઓછા પ્રેશરથી અને ઓછા સમય માટે આપવામાં આવશે પૂર્વ અને ઉત્તર ઝોનના મુખ્ય વિસ્તારો એરપોર્ટ બૂસ્ટર, આજવા રોડ ટાંકી, ખોડિયારનગર બૂસ્ટર, વારસિયા બૂસ્ટર, ગાજરાવાડી ટાંકી, નાલંદા ટાંકી, દરજીપુરા બૂસ્ટર, સમા ટાંકી, પૂનમ નગર ટાંકી, નોર્થ હરણી ટાંકી, કારેલીબાગ ટાંકી, વ્હિકલપૂલ બૂસ્ટર, સયાજીબાગ ટાંકી, જેલ ટાંકી, પાણીગેટ ટાંકી અને લાલબાગ ટાંકી.
મધ્ય અને પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં પાણી કાપ
પરશુરામ બૂસ્ટર, જુનીગઢી બૂસ્ટર, છાણી ગામ ટાંકી, છાણી જકાતનાકા ટાંકી, સમા જૂની ટાંકી, ટી.પી.-13 ટાંકી, નવી ધરતી બૂસ્ટર, ફતેહપુરા બૂસ્ટર, સાધનાનગર બૂસ્ટર અને બકરાવાડી બૂસ્ટર નોંધનીય છે કે, અમુક કિસ્સાઓમાં પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ખોરવાવાના કારણે અન્ય સંલગ્ન ટાંકીઓના કમાન્ડ વિસ્તારમાં પણ પાણીની અછત વર્તાઈ શકે છે.
ચોમાસાની સીઝનને ધ્યાનમાં રાખીને રેતી કાઢવાની આ કામગીરીના સમયગાળામાં પરિસ્થિતિ મુજબ ફેરફાર થઈ શકે છે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા જાહેર જનતાને પાણીનો બગાડ ન કરવા, તેનો સંગ્રહ કરવા અને તંત્રને પૂરતો સહકાર આપવા નમ્ર વિનંતી કરવામાં આવી છે.
