Vadodara: વાડીમાં જૂની અદાવતમાં જૂથ અથડામણ, ધારદાર છરાથી હુમલો કરતા એક યુવકનો હાથ કપાતા લોહીના ફૂવારા ઉડ્યા

વડોદરાના વાડી વિસ્તારમાં જૂની અદાવતને કારણે બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ. સમાધાન માટે બોલાવાયેલી બેઠક હિંસક બની, જેમાં બંને પક્ષના લોકો ધારદાર હથિયારો વડે હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 30 Jun 2026 06:33 PM (IST)Updated: Tue, 30 Jun 2026 06:33 PM (IST)
vadodara-news-wadi-group-clash-over-old-enmity-attack-with-sharp-weapon

Vadodara: વડોદરા શહેરના વાડી વિસ્તારમાં જૂની અદાવતનો મામલો અત્યંત હિંસક વળાંક પર પહોંચ્યો છે. જેમાં વાડીમાં આવેલી એચ.વી. શ્રોફ સ્કૂલ પાછળ સમાધાન માટે બોલાવાયેલી બે પક્ષોની મુલાકાત લોહિયાળ જૂથ અથડામણમાં ફેરવાઈ હતી. બંને પક્ષે એકબીજા પર ધારદાર છરા વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટનામાં બંને પક્ષના લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મોપેડની ડિકીમાંથી ધારદાર છરો કાઢી તૂટી યુવક પર તૂટી પડ્યો

બપોરે આશરે 3:30 વાગ્યે અરબાઝ ઉર્ફે બોઈલર ગુલામ દસ્તગીરને આદિલ ઉર્ફે બાટલાનો ફોન આવ્યો હતો. જેમાં ગાળાગાળી કરીને અરબાઝને એચ.વી. શ્રોફ સ્કૂલ પાછળ બોલાવવામાં આવતા તે પોતાના સાથીદારો સાથે ત્યાં પહોંચ્યો હતો.

જ્યાં આદિલ અને તેના કાકા આરીફ ઉર્ફે માંજરો પણ આવી પહોંચ્યા હતા. જ્યાં બન્ને પક્ષો વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે આરીફે મોપેડની ડિકીમાંથી ધારદાર છરી કાઢી અરબાઝ પર હુમલો કર્યો હતો. જેમાં અરબાઝના જમણા હાથની હથેળી અને ડાબા હાથની કોણી પર ગંભીર ઘા વાગ્યા હતા.

બીજી તરફ આરીફ ઉર્ફે માંજરો અબ્દુલ રજાક શેખે નોંધાવેલી વળતી ફરિયાદમાં જણાવ્યું છે કે, જ્યારે તે આદિલ અને બીજા પક્ષ વચ્ચેનો ઝઘડો છોડાવવા ગયો, ત્યારે સામે પક્ષે રહેલા ઇકબાલે છરી વડે તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં આરીફના ડાબા હાથની કોણી અને આંગળીઓ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને પક્ષના હુમલાખોરોએ ધારદાર છરાનો ઉપયોગ કરીને એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઘાયલ અરબાઝને સારવાર માટે તોફીક હોસ્પિટલ અને બાદમાં આદિયુર હોસ્પિટલમાં, જ્યારે આરીફને જમનાબાઈ હોસ્પિટલ અને ત્યારબાદ ડભોઈવાલા સર્જિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે બંને પક્ષો દ્વારા ધારદાર હથિયારથી કરાયેલા હુમલા અને મારામારીના કેસમાં ક્રોસ ફરિયાદ નોંધી હત્યાના પ્રયાસની કલમો હેઠળ તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે વાડી વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.