Vadodara Crime News: ઉત્સવપ્રિય નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ધાર્મિક અને સાંસ્કૃતિક પર્વોની ગરિમાને ડાઘ લગાવતી ઘટનાઓ વધી છે. તાજેતરમાં જ શહેરના ઐતિહાસિક લહેરીપુરા ગેટ પાસે ગણેશજીની આગમન યાત્રા દરમિયાન પોલીસની હાજરીમાં જ યુવકોના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
DJ ના તાલે નાચવા બાબતે થઈ બોલાચાલી
આ પણ વાંચો
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે રાત્રે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલ રાવપુરાના 'ખર્ચીકરના ખાંચા' ના ગણેશજીની ભવ્ય આગમન યાત્રા નીકળી હતી. આ યાત્રા જ્યારે લહેરીપુરા ગેટ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે ડીજેના તાલે નાચવા બાબતે અથવા સામાન્ય બોલાચાલીમાં યુવાનોના બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું. જોતજોતામાં આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને જાહેર રસ્તા પર જ છૂટાહાથની મારામારી શરૂ થઈ ગઈ હતી.
પોલીસનો ડર ઓસરી રહ્યો હોય તેમ લાગ્યું
આશ્ચર્યજનક બાબત એ છે કે આ સમગ્ર ઘટના સુરક્ષા માટે તૈનાત પોલીસ કાફલાની નજર સમક્ષ જ બની હતી. પોલીસકર્મીઓએ વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ તત્વોમાં કાયદાનો કોઈ ડર હોય તેવું દેખાયું નહોતું. આ હિંસક અથડામણને કારણે યાત્રામાં અફરાતફરી મચી ગઈ અને ભક્તોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
વારંવાર બનતી ઘટનાઓથી નાગરિકોમાં રોષ
વડોદરામાં આ પ્રકારની આ પ્રથમ ઘટના નથી. માત્ર એક દિવસ અગાઉ જ દશામાની આગમન યાત્રામાં પણ આવી જ રીતે મારામારી થઈ હતી. એક પછી એક ધાર્મિક ઉત્સવોમાં થતી હિંસાને કારણે વડોદરાના શાંતિપ્રિય નાગરિકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી છે. સ્થાનિક લોકોની માંગ છે કે પોલીસ અને વહીવટી તંત્ર આવા ઉપદ્રવી તત્વો સામે કડક કાર્યવાહી કરે જેથી ભવિષ્યમાં શહેરનો ભાઈચારો અને શાંતિ જળવાઈ રહે.
