Vadodara: વડોદરા શહેરમાં સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે મહાનગર પાલિકાએ ચુસ્ત પગલાં લીધાં છે. પાલિકા તંત્ર દ્વારા શહેરના દરેક વોર્ડમાં ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોડ પરની દુકાનો, હોટલ-રેસ્ટોરન્ટ સહિત તમામ વેપારી સ્થળોએ ડસ્ટબિન રાખવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ નિયમના પાલનનું ચેકિંગ પાલિકા અધિકારીઓ દ્વારા નિયમિત રીતે કરવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં વોર્ડ નં. 3ના કાલાઘોડા થી ડેરી ડેન વિસ્તાર સુધી વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ઘણા વેપારીઓ દુકાન બહાર ડસ્ટબિન રાખતા ન હોવાનું તથા કેટલીક જગ્યાએ ખુલ્લેઆમ ગંદકી જોવા મળતાં પાલિકા તંત્ર સક્રિય થયું હતું. નિયમોના ઉલ્લંઘન કરનાર દુકાનધારકો અને હોટલ-રેસ્ટોરન્ટ માલિકો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. તેમને નોટિસ ફટકારવામાં આવી તેમજ દંડ વસૂલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
પાલિકા તંત્રના જણાવ્યા અનુસાર, સ્વચ્છતા અભિયાન અંતર્ગત આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. જાહેર સ્થળોએ ગંદકી ફેલાવવી હવે સહન નહીં કરવામાં આવે તેવો સ્પષ્ટ સંદેશ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે. તમામ દુકાનદારોને તેમના વેપાર સ્થળે ડસ્ટબિન ઉપલબ્ધ રાખવા અને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા સૂચના આપવામાં આવી છે. નિયમનું પાલન ન કરનાર સામે દંડાત્મક પગલાં અનિવાર્ય રહેશે.
મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી વડોદરા શહેરમાં સફાઈ અને શિસ્ત જાળવવાના હેતુથી શરૂ કરવામાં આવી છે. પાલિકાનું માનવું છે કે જો નગરજનો સહયોગ આપશે અને નિયમોનું પાલન કરશે, તો વડોદરા જલ્દી જ સ્વચ્છ અને સુંદર શહેર તરીકે વધુ એક ઊંચું સ્થાન હાંસલ કરશે.
