વડોદરા એસટી ડિવિઝન હવે 'ડિજિટલ': બસોમાં છૂટ્ટા પૈસાની માથાકૂટ ગઈ, મુસાફરો હવે UPI દ્વારા ટિકિટ ખરીદી શકશે

પ્રથમ તબક્કામાં 100 કન્ડક્ટર્સને ઑટોમેટેડ ટિકિટિંગ મશીનો અપાયા. જે વૉલ્વો, એક્સપ્રેસ, ઈન્ટરસિટી અને લોકલ સહિત તમામ બસોમાં ઉપયોગમાં લેવાઈ રહ્યા છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 10 Jan 2026 11:24 PM (IST)Updated: Sat, 10 Jan 2026 11:24 PM (IST)
vadodara-news-upi-ticketing-implemented-in-vadodara-st-buses
HIGHLIGHTS
  • પારદર્શિતા વધશે અને ઓનલાઈન રેકોર્ડ રાખવામાં સરળતા રહેશે
  • કન્ડક્ટર્સનું કામ સરળ બનશે અને મુસાફરોનો પણ સમય બચશે

Vadodara: વડોદરા એસટી ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા વધારવાના હેતુથી બસોમાં ડિજિટલ ટિકિટિંગની નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. હવે એસટી બસોમાં ટિકિટ ખરીદવા માટે માત્ર રોકડા રૂપિયા જ નહીં, પરંતુ UPI સહિતની મોબાઈલ પેમેન્ટ એપ્સ દ્વારા પણ સરળતાથી ચૂકવણી કરી શકાશે.

વડોદરા એસટી ડિવિઝન દ્વારા પ્રથમ તબક્કામાં 100 કન્ડક્ટર્સને ઓટોમેટેડ ટિકિટિંગ મશીનો (ATM) આપવામાં આવ્યા છે. આ મશીનો વોલ્વો, એક્સપ્રેસ ઇન્ટરસિટી, એક્સપ્રેસ સાદી તેમજ લોકલ સહિતની તમામ પ્રકારની બસોમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. આથી હવે ટિકિટ લેતા સમયે કન્ડક્ટર અને મુસાફરો વચ્ચે છૂટા રૂપિયાને લઈને થતી કડાકૂટ ભૂતકાળ બની જશે.

ગતરોજથી એસટી બસોમાં આ મશીનો કાર્યરત થતા જ અનેક મુસાફરોએ મોબાઈલ પેમેન્ટ એપ્સ દ્વારા ડિજિટલ ચુકવણી કરીને ટિકિટ મેળવી હતી. રોકડા રૂપિયા ન હોવા છતાં પણ મુસાફરો સરળતાથી મુસાફરી કરી શકે તે માટે આ વ્યવસ્થા ઉપયોગી સાબિત થઈ રહી છે.

વડોદરા એસટી ડિવિઝનના ડિવિઝન કંટ્રોલર એન.કે. પટેલે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા રાજ્યભરમાં આ સુવિધા અમલમાં મૂકવામાં આવી રહી છે. તેના ભાગરૂપે વડોદરા ડિવિઝનમાં ઓટોમેટેડ ટિકિટિંગ મશીનો આપવામાં આવ્યા છે.

આગામી સોમવારે વધુ 100 કન્ડક્ટર્સને પણ આ મશીનો આપવામાં આવશે. ડિજિટલ ટિકિટિંગથી ટિકિટ પ્રક્રિયા વધુ સરળ બનશે અને ઓનલાઇન રેકોર્ડ રાખવામાં પણ સહાય મળશે. આ પ્રણાલીથી પારદર્શકતા વધશે અને ટિકિટિંગમાં થતી ભૂલો ઘટશે. મુસાફરો માટે પણ સમય બચશે અને કન્ડક્ટર્સનું કામ વધુ સુવ્યવસ્થિત બનશે.

જોકે ગતરોજ કેટલીક બસોમાં આ મશીનો ના ઉપયોગ દરમિયાન કેટલીક તકનીકી ખામી જોવા મળી હતી. એસટી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, એકવાર પેમેન્ટ થયા બાદ કેટલાક મશીનો થોડો સમય હેંગ થવાના કારણે ટિકિટિંગ પ્રક્રિયામાં વિલંબ થયો હતો. આ બાબતની જાણ કન્ડક્ટર્સ દ્વારા અધિકારીઓને કરવામાં આવતા મુંબઈ સ્થિત મશીન સપ્લાય કરનાર કંપનીને જાણ કરાઈ છે. વિભાગે આશા વ્યક્ત કરી છે કે આ સમસ્યા જલ્દી ઉકેલાઈ જશે. એકંદરે, વડોદરા એસટી ડિવિઝનમાં શરૂ કરાયેલ ડિજિટલ ટિકિટિંગ સુવિધા મુસાફરો માટે સમયાનુકૂળ અને ઉપયોગી સાબિત થવાની અપેક્ષા છે.