Vadodara: વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સિરીઝની પ્રથમ વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમાનાર છે. મેચ પૂર્વે શહેરમાં ક્રિકેટનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે.
એક તરફ ટીમ ઇન્ડિયાએ પ્રેક્ટિસ સેશન દરમિયાન બેટિંગ અને બોલિંગ પર ખાસ ધ્યાન આપ્યું, તો બીજી તરફ ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ હોટલમાંથી બહાર નીકળીને વડોદરાના રસ્તાઓ પર ચાલતા જોવા મળતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ન્યૂઝીલેન્ડના ક્રિકેટર્સ નાસ્તા માટે કાફેમાં પહોંચ્યા હતા, જેને જોઈને સ્થાનિક લોકોમાં ખાસ ઉત્સુકતા જોવા મળ્યો હતો.
આ પણ વાંચો
મેચ પહેલાં ભારતીય ટીમે કોટંબી સ્ટેડિયમ ખાતે સઘન પ્રેક્ટિસ કરી હતી. રોહિત શર્મા, શ્રેયસ ઐયર, રિષભ પંત, કે.એલ. રાહુલ અને રવીન્દ્ર જાડેજા સહિતના ખેલાડીઓએ બેટિંગ પર ભાર મૂક્યો હતો. ઝડપી બોલર મોહમ્મદ સિરાજ પણ બેટ સાથે પ્રેક્ટિસ માટે જતા નજરે પડ્યા હતા, જે ટીમની સર્વાંગી તૈયારી દર્શાવે છે.
આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું હતું કે,કોઈ પણ ફોર્મેટ સહેલો હોતો નથી અને મોટી ICC ટુર્નામેન્ટ જીતવા માટે સતત મહેનત અને મજબૂત નિશ્ચય જરૂરી છે. દરેક સિરીઝ પાછળ એક ચોક્કસ લક્ષ્ય હોય છે અને વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ સિરીઝ ખૂબ જ મહત્વની છે. ટીમ કોમ્બિનેશન ચકાસવા અને વિવિધ પરિસ્થિતિઓમાં ખેલાડીઓની ક્ષમતા માપવા માટે આ સિરીઝ ઉપયોગી સાબિત થશે.
શુભમન ગિલે રોહિત શર્મા અને વિરાટ કોહલીના અનુભવને અમૂલ્ય ગણાવતા કહ્યું , મુશ્કેલ પરિસ્થિતિમાં તેમની સલાહ ટીમ માટે ખૂબ જ મદદરૂપ બને છે. ન્યૂઝીલેન્ડને મજબૂત હરીફ ગણાવતા તેમણે જણાવ્યું કે કોઈ પણ ટીમને હળવાશથી લેવામાં આવતી નથી.
વડોદરાના ચાહકો વિશે ગિલે ખાસ ઉલ્લેખ કરતા કહ્યું કે એરપોર્ટ પર જે રીતે સ્વાગત મળ્યું, તે જાણે વર્લ્ડ કપ જીત્યા બાદનું હોય તેવો અનુભવ થયો હતો. સ્ટેડિયમ, પ્રેક્ટિસ સેશન અને હોટલની બહાર ચાહકોનો પ્રેમ અદભૂત છે. તેમણે કોટંબી સ્ટેડિયમની સુવિધાઓ, રિકવરી રૂમ અને પ્રેક્ટિસ વિકેટ્સની પણ પ્રશંસા કરી હતી.
ઇન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સમાં ટીમની તૈયારીઓ અને વર્લ્ડ કપના લક્ષ્યાંક અંગે વાત કરી. આ દરમિયાન નેટ પ્રેક્ટિસ વખતે વિકેટકીપર રિષભ પંત ઇજાગ્રસ્ત થતાં પ્રેક્ટિસમાંથી બહાર રહ્યા હોવાનું જણાવ્યું હતું.
