Vadodara: વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ફાજલપુર બ્રિજ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ દોડતા ટ્રકે ટક્કર મારતા બાઈક પરથી ફંગોળાયેલા બે યુવકો ટાયર નીચે ચગદાઈ જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એકની હાલત ગંભીર છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વાસદ તાલુકા કાછલાપુરા ગામનો પરિવાર બાઈક પર વડોદરા તરફ જઈ રહ્યો હતો. તેમનું બાઈક નેશનલ હાઈવે 48 પર આવેલા ફાજલપુર બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યું હતુ, ત્યારે પાછળથી સ્પીડમાં આવતા ટ્રકે તેમના બાઈકને ટક્કર મારી હતી.
આ પણ વાંચો
ટ્રકની ટક્કર એટલી ભયાનક હતી કે, બાઈક પર સવાર ત્રણેય જણા ફૂટબોલ માફક ફંગોળાઈને નીચે પટકાયા હતા. જે પૈકી બે જણા ટ્રકના તોતિંગ ટાયર નીચે કચડાઈ જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ.
આ અકસ્માત બાદ ઘટના સ્થળે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. જેમાં મૃતકોના શરીરના ભાગો હાઈવે પર વેરવિખેર પડ્યા હતા. જ્યારે એક મહિલા મૃતદેહની પાસે બેસીને પોક મૂકીને મદદ માટે હૈયાફાટ આક્રંદ કરતી હતી. આ ઘટનાના પગલે એકઠા થયેલા લોકોના પણ દિલ દ્રવી ઉઠ્યા હતા.
બીજી તરફ આ અકસ્માતની જાણ થતાં નંદેસરી પોલીસ તેમજ એમ્બ્યુલન્સ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં ગંભીર ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે મોકલી આપ્યો છે. જ્યારે બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી છે. હાલ તો પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આકળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
