Vadodara: NH-48 પર ખાડાના કારણે ત્રિપલ અકસ્માત, ગેસ કટરથી ટેમ્પોની બૉડી ચીરી ચગદાયેલા ડ્રાઈવરનો મૃતદેહ કઢાયો

રોડ પર ખાડા અને ખોદકામના કારણે ટેમ્પોના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. ભીષણ ટક્કર બાદ ટેમ્પોનું પડિકું વળી ગયું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 16 Sep 2025 04:34 PM (IST)Updated: Tue, 16 Sep 2025 04:34 PM (IST)
vadodara-news-tripe-accident-due-to-pothole-on-national-highway-48
HIGHLIGHTS
  • અકસ્માત બાદ હાઈવે પર ટાફિકજામની સ્થિતિ
  • ટેમ્પો અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ

Vadodara: વડોદરા શહેરની બહારથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ગત મધરાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ પર આવેલા ઊંડા ખાડા અને ચાલુ ખોદકામને કારણે એક સાથે ત્રણ વાહનો વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં ટેમ્પો ડ્રાઈવર હારુન શેખનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હાઈવે પર ભારે વાહનોની અવરજવર ચાલી રહી હતી, ત્યારે અચાનક આગળ આવેલા ખાડા અને ખોદકામને કારણે ટેમ્પોના ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બે અન્ય વાહનો તેની સાથે ધડાકાભેર ભટકાયા હતા. આ ટક્કર એટલી ભીષણ હતી કે, ટેમ્પોનું પડિકું વળી ગયું હતુ.

બીજી તરફ આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ ઑપરેશન હાથ ધર્યું હતુ. ફાયર બ્રિગેડની ટીમે ગેસ કટરની મદદથી ટેમ્પોની બૉડી ચીરીને અંદર ચગદાઈ ગયેલા હારુન શેખને બહાર કાઢ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેનું દર્દનાક મોત નીપજ્યું હતુ. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં અકસ્માતના રૂંવાડા ઉભા કરી દેતા દ્રશ્યો કેદ થઈ ગયા છે.

આ ઘટનાના પગલે અકસ્માત સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જેના કારણે રોડ પર વાહનોની લાંબી કતારો થઈ જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આથી ઘટના સ્થળે પહોંચી પોલીસે અકસ્માત ગ્રસ્ત વાહનોને સાઈડમાં કરીને વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવ બાદ ફરી એક વાર હાઈવે પર ચાલી રહેલા ખાડા અને ખોદકામ અંગે પ્રશ્નો ઉઠ્યા છે. મુસાફરોનું કહેવું છે કે, વારંવાર રજૂઆત છતાં સમયસર મરામત ન થતાં આવા અકસ્માતો બની રહ્યા છે. રસ્તાની બેદરકારીના કારણે નિર્દોષ જીવ જતા રહેતા હોવા છતાં તંત્ર કાનમાં તેલ નાખીને બેઠું હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.