પરેશ ગોસ્વામીની આગાહી: ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ, 4 થી 5 દિવસમાં મેઘરાજા બનાસકાંઠાથી ગુજરાતને 'આવજો' કહેશે

આજે દિવસ દરમિયાન ગુજરાતના 18 તાલુકામાં વરસાદ પડ્યો. જે પૈકી ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં સૌથી વધુ પોણા 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 15 Sep 2025 10:37 PM (IST)Updated: Mon, 15 Sep 2025 10:37 PM (IST)
paresh-goswami-ni-agahi-monsoon-set-farewell-from-next-5-days-by-banaskantha-of-north-gujarat
HIGHLIGHTS
  • ગુજરાતમાં સિઝનનો 108.21 ટકા વરસાદ વરસી ચૂક્યો
  • 21 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે

Paresh Goswami Ni Agahi: ગુજરાતમાં ગત 16 જૂનની આસપાસ નૈઋત્યના ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ગયું હતુ. જે બાદ અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 108.21 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. હાલ પણ ગુજરાતના માથે સર્જાયેલી એક અસ્થિરતાના કારણે છૂટાછવાયા ભાગોમાં આજે પણ વરસાદી ઝાપટા નોંધાયા છે. આ સાથે જ દેશમાંથી ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે.

આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, દેશમાં ભલે થઈ હોય, પરંતુ હજુ સુધી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ નથી થઈ. દેશોમાં ચોમાસાનું આગમન કેરળથી થાય છે અને વિદાય રાજસ્થાનના ઉત્તર-પશ્ચિમ ભાગમાંથી થતી હોય છે. હાલ રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. આગામી 3 થી 5 દિવસમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે. જો કે એકવાત ચોક્કસ છે કે, દેશમાંથી ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

આગામી 21 તારીખ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે
વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હાલ ગુજરાતમાં અસ્થિરતાનો માહોલ છે. આથી છૂટાછવાયા ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા ભાગ તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. એક રીતે જોઈએ તો, આગામી 21 સપ્ટેમ્બર સુધી ગુજરાતના 40 થી 50 ટકા ભાગોમાં વરસાદ વરસી શકે છે. આ દરમિયાન કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે પવનની ગતિ પણ વધારે રહી શકે છે.

આજે ગુજરાતના 18 તાલુકામાં પોણા 2 ઈંચ સુધી વરસાદ વરસ્યો
આજે સવારે 6 થી રાતના 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 18 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં સૌથી વધુ 44 મિ.મી (1.7 ઈંચ) વરસાદ વરસ્યો છે. આ સિવાય નવસારીના ચિખલીમાં 35 મિ.મી (1.3 ઈંચ), ગણદેવીમાં 12 મિ.મી, છોટા ઉદેપુરના ક્વાટ અને તાપીના વાલોદમાં 11-11 મિ.મી વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં ચોમાસું કેવું રહ્યું?
જૂન મહિનાના બીજા સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થવા સાથે જ કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. જે સતત જુલાઈ મહિના સુધી યથાવત રહી હતી. જે બાદ ઓગસ્ટના 15 દિવસ સુધી મોન્સૂન બ્રેકની સ્થિતિ જોવા મળી હતી. જો કે પાછળથી એક પછી એક વરસાદી સિસ્ટમો સક્રિય થવાથી ગુજરાત તરબોળ બન્યું છે. આ સાથે 2022થી 2025 એમ સતત ચોથા વર્ષે ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ 100 ટકાથી વધુ નોંધાયો છે.