Vadodara: મનપા અને રેલવે વચ્ચેના વેરા વિવાદનો સુપ્રીમ કોર્ટમાં અંત, રૂ.7 કરોડ પૈકી 2 કરોડની તાત્કાલિક વસૂલી

પાલિકા દ્વારા ક્ષેત્રફળના ધોરણે રેલ્વેને વેરાના બિલો જારી કરવામાં આવ્યા હતા, પરંતુ રેલ્વે તરફથી નિર્ધારિત સમયમર્યાદામાં ચૂકવણી ન થતા મામલો ઉચ્ચ અદાલતો સુધી ગયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 27 Nov 2025 08:38 PM (IST)Updated: Thu, 27 Nov 2025 08:38 PM (IST)
vadodara-news-tax-dispute-between-municipal-corporation-and-railways-ends-in-supreme-court
HIGHLIGHTS
  • 2003-04થી લટકતા કેસમાં કોર્ટે પાલિકાના તરફેણમાં ચુકાદો આપ્યો
  • રેલવેએ બાકીના 5 કરોડ રૂપિયા ટૂંક સમયમાં ચૂકવવાની તૈયારી દર્શાવી

Vadodara: વડોદરા મહાનગરપાલિકા અને રેલ્વે વિભાગ વચ્ચે લાંબા સમયથી ચાલતા વેરા સંબંધિત વિવાદનો અંતે સુપ્રીમ કોર્ટમાં નિવારણ આવ્યું છે. વર્ષ 2003-04થી બાકી રહેલા પાલિકાના લીગલ નોટિસ અને અનુસંધાનમાં થયેલી અદાલતી કાર્યવાહી બાદ આખરે ન્યાયાલયે પાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

જેના પરિણામે રેલ્વે વિભાગે કુલ બાકી વેરા રૂા. 7 કરોડમાંથી શરૂઆતમાં રૂા. 2 કરોડની ચૂકવણી કરી દીધી છે, જ્યારે બાકીના રૂા. 5 કરોડ ટૂંક સમયમાં ચૂકવવાની તૈયારી દર્શાવી છે.

આ વિવાદે વર્ષો સુધી ઉકેલ ન મળતા પાલિકાના ભંડોળ પર અસર પડી રહી હતી. પાલિકા દ્વારા ક્ષેત્રફળના ધોરણે રેલ્વેને વેરાના બિલો જારી કરવામાં આવ્યા હતા, પરંતુ રેલ્વે તરફથી નિર્ધારિત સમયમર્યાદામાં ચૂકવણી ન થતા મામલો ઉચ્ચ અદાલતો સુધી ગયો.

પ્રાથમિક તબક્કામાં કેટલાક તર્ક-વિતર્ક તથા દાખલા રજૂ કરાયા બાદ અંતે બંને વિભાગો વચ્ચે એમઓયુ પણ કરવામાં આવ્યો હતો, છતાં ચૂકવણીનો મુદ્દો અડગ રહ્યો. અંતે સુપ્રીમ કોર્ટમાં અંતિમ તબક્કે આવી પહોંચેલી અપીલમાં ન્યાયાલયે પાલિકાનું કહેવુ માન્ય રાખતા ચુકાદો આપ્યો.

ચૂકાદા બાદ રેલ્વે દ્વારા પાલિકા તંત્રને આપવામાં આવેલા બિલોની ચકાસણી અને ખાતરીની પ્રક્રિયા કરવામાં આવી. ચકાસણી પૂર્ણ થયા બાદ પ્રથમ હપ્તા રૂપે રૂા. 2 કરોડ પાલિકાના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. રેલ્વે વિભાગે જણાવ્યું છે કે બાકીના રૂા. 5 કરોડ બિલોની અંતિમ ખાતરી હવે પાયાની તપાસ પછી તાત્કાલિક ચૂકવી દેવામાં આવશે. આ સાથે આગામી સમયથી વેરાના બિલો બાંધકામ આધારિત પદ્ધતિથી જારી કરવામાં આવશે જેથી આવી વિવાદિત પરિસ્થિતિ ફરી ન સર્જાય.

આ ચુકાદાથી પાલિકાને કરોડો રૂપિયાનું ભંડોળ મળવાનું નિશ્ચિત બન્યું છે, જે શહેરના વિકાસકાર્યોને નવું ગતિમાન કરી શકે છે. લાંબા સમયથી અટકેલા નાણાં મળતા મહાનગરપાલિકાને આર્થિક લાભ થશે અને આવકનો સ્ત્રોત વધુ મજબૂત બનશે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. રેલ્વે અને પાલિકા વચ્ચે સોલિડ અને સ્પષ્ટ નીતિ રચાતા ભવિષ્યમાં વેરા વસૂલી સંબંધિત સમસ્યાઓ ઓછા થવાની આશા છે.