'તારી છાતી પર ચુડેલ બેસી ગઈ..'- વિધિના નામે શોષણથી કંટાળી વડોદરાની યુવતીનો આપઘાત, તાંત્રિક 'બાપુ' સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

વડોદરામાં 28 વર્ષીય યુવતીએ તાંત્રિક વિધિના નામે શારીરિક અને આર્થિક શોષણથી કંટાળીને આત્મહત્યા કરી. પોલીસે આરોપી ગિરીશ ઉર્ફે બાપુ પરમાર સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 18 Aug 2026 08:33 PM (IST)Updated: Tue, 18 Aug 2026 08:33 PM (IST)
vadodara-news-studio-manager-dies-by-suicide-after-tantric-exploitation

પ્રશાંત ગજ્જર, Vadodara Suicide News: વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં રહેતી અને એક ફોટો સ્ટુડિયોમાં મેનેજર તરીકે ફરજ બજાવતી 28 વર્ષીય યુવતીનું શારીરિક છેડતી, નાણાકીય શોષણ અને તાંત્રિક વિધિની ધમકીઓથી ત્રાસી જઈને ઉંદર મારવાની દવા પી લેવાથી કરૂણ મોત નીપજ્યું છે.

આ ગંભીર મામલે મૃતકની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી ગિરીશ ઉર્ફે બાપુ ચંદુભાઈ પરમાર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, તુલસીવાડી વિસ્તારમાં રહેતી આ યુવતી કારેલીબાગ સ્થિત આર કે સ્ટુડિયોમાં છેલ્લા ત્રણ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતી હતી. આ દરમિયાન તેનો પરિચય છાણી જકાતનાકા વિસ્તારના એકતાનગરમાં રહેતા ગિરીશ ઉર્ફે બાપુ ચંદુભાઈ પરમાર સાથે થયો હતો. ગત 29 ડિસેમ્બરથી યુવતીની તબિયત અચાનક લથડવા લાગી હતી અને તેને વારંવાર ઉલ્ટીઓ થવા લાગી હતી.

પરિસ્થિતિ ગંભીર બનતાં ગત 31 ડિસેમ્બરે તેને વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં તબીબી તપાસ દરમિયાન યુવતીએ ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ 1 જાન્યુઆરીના રોજ તબિયત વધુ બગડતાં તેને ICU વોર્ડમાં ખસેડવામાં આવી હતી. આ દરમિયાન સ્ટુડિયોના માલિક અલ્ફાઝ મકરાણી હોસ્પિટલ પહોંચ્યા હતા અને યુવતીના મોબાઈલની તપાસ કરી પૂછપરછ કરતાં સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થયો હતો.

યુવતીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જણાવ્યું હતું કે, આરોપી ગિરીશ ઉર્ફે બાપુ ચંદુભાઈ પરમારે તેને ડરાવતા કહ્યું હતું કે, 'તારી છાતી પર ચૂડેલ બેસી ગઈ છે, જેથી છાતીમાં દુખાવો થાય છે અને તેના માટે તાંત્રિક વિધિ કરવી પડશે. આ અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે આરોપીએ અગાઉ યુવતીના વાળ પણ કાપી લીધા હતા. આ ઉપરાંત આરોપી અવારનવાર તેની પાસે શારીરિક સંબંધોની માંગણી કરતો હતો અને તેની પાસેથી બળજબરીપૂર્વક નાણાં પણ પડાવતો હતો.

આરોપી દ્વારા આપવામાં આવતા સતત માનસિક, શારીરિક અને નાણાકીય ત્રાસથી કંટાળીને અંતે યુવતીએ આત્યંતિક પગલું ભરીને ઝેરી દવા પી લીધી હતી. એસ.એસ.જી. હોસ્પિટલના આઈ.સી.યુ. વોર્ડમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલી આ યુવતીનું વહેલી સવારે કરૂણ મોત નીપજ્યું હતું. યુવતીના આકસ્મિક અને દુઃખદ અવસાનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પરિવારે પોલીસ સમક્ષ માંગ કરી છે કે આ પ્રકારે અંધશ્રદ્ધા ફેલાવીને અને ત્રાસ આપીને યુવતીનું શોષણ કરનાર નરાધમ આરોપી સામે કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરવામાં આવે. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.