વડોદરામાં રખડતા ઢોરનો આતંક યથાવતઃ ખોડિયારનગરમાં વિફરેલી ગાયે હુમલો કરતાં 2 યુવકો ઈજાગ્રસ્ત; એકની હાલત ગંભીર

વડોદરામાં રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં રસ્તાઓ પર ગાયોનો ખતરો યથાવત

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 28 Dec 2025 07:57 PM (IST)Updated: Sun 28 Dec 2025 07:57 PM (IST)
vadodara-news-stray-cattle-menace-cow-attack-on-youth-at-khodiyarnagar-663651
HIGHLIGHTS
  • ઉશ્કેરાયેલી ગાયે રોડ પરથી પસાર થતાં બે યુવકોની પાછળ દોટ મૂકી ઢીકે ચડાવ્યા

Vadodara: વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અટકવાનું નામ લઈ રહ્યો નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર ગાય સહિતના ઢોરોના કારણે અકસ્માતો અને હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક વધુ ચોંકાવનારી ઘટના આજે ખોડિયારનગર વિસ્તારમાં નોંધાઈ છે, જ્યાં રખડતી ગાયે બે યુવકો પર હુમલો કરતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ખોડિયારનગર ચાર રસ્તા પાસે આવેલ પંચમ ઇલાઇટ ફ્લેટ નજીક રખડતી ગાય અચાનક ઉશ્કેરાઈ ગઈ હતી. રસ્તા પરથી પસાર થઈ રહેલા બે નિર્દોષ યુવકોને ગાયે નિશાન બનાવી તેમની પાછળ દોટ મૂકી હતી. ગાયે હુમલો કરતા બંને યુવકો જમીન પર પટકાયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને નાચભાગ મચી ગઈ હતી.

ગાયના હુમલાની ઘટનાના પગલે આસપાસથી દોડી આવેલ લોકટોળા દ્ધારા તાત્કાલિક ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતા. એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી આવી હતી અને ઘાયલ થયેલા બંને યુવકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર રજૂઆતો છતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર સામે નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, તેવા આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, રોજબરોજ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે છતાં તંત્ર ગંભીરતા દાખવતું નથી.

સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં રસ્તાઓ પર ગાયોનો ખતરો યથાવત્ છે. આજે ખોડિયારનગર વિસ્તારમાં ગાયના હુમલામાં બે વ્યક્તિ ઘાયલ થયા એ તંત્રની નિષ્ફળતાનો પુરાવો છે.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં રખડતા ઢોરના કારણે અગાઉ પણ અનેક ગંભીર અકસ્માતો અને મોતના બનાવો બની ચૂક્યા છે. તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા અસરકારક પગલાં ન લેવાતા વડોદરાવાસીઓમાં તંત્ર સામે સતત રોષ વધતો જઈ રહ્યો છે.