Surat: ગંભીર માર્ગ અકસ્માતોમાં ગંભીર ઈજાગ્રસ્ત માણસોને ગોલ્ડન અવર્સમાં મદદ કરી સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ પહોચાડનાર સુરત ગ્રામ્ય જિલ્લાના ચાર રાહવીરોનું જિલ્લા પોલીસ અધિકક્ષ રાજેશ ગઢિયા દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ચારેય રાહવીરોએ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલ લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ 108 અથવા અન્ય માધ્યમ દ્વારા હોસ્પિટલ/ટ્રોમા કેર સેન્ટર પહોંચાડી અમૂલ્ય માનવજીવન બચાવ્યું હતું. તેમના આ પ્રશંસનીય કાર્ય બદલ સરકારની રાહવીર યોજના અંતર્ગત મળવા પાત્ર ઇનામી પુરસ્કારની રકમ પણ આગામી દિવસોમાં આપવામાં આવનાર છે.
રાહવીર એટલે કોણ ?
માર્ગ અકસ્માત દરમિયાન ગંભીર રીતે ઇજાગસ્ત થયેલ વ્યક્તિને ગોલ્ડન અવર્સ [પ્રથમ એક કલાક] માં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડનાર પરોપકારી અને મદદગાર વ્યક્તિને “રાહવીર” તરીકે ઓળખવામાં આવે છે.
રાહવીર યોજના હેઠળ મળતા લાભો
જો એક રાહવીર મોટર વાહન સાથે સંકળાયેલા ગંભીર અકસ્માતમાં એક અથવા વધુ પીડિતોનું જીવન બચાવે તો તેને સરકાર દ્વારા રૂ. 25,000/- નું ઇનામ આપવામાં આવે છે.
જો એક જ પીડિતને એકથી વધુ રાહવીરો દ્વારા બચાવવામાં આવે તો ઇનામી રકમ સમાનરૂપે વહેંચવામાં આવે છે.
જો એક કરતા વધુ રાહવીર ગંભીર માર્ગ અકસ્માતોમાં એક કરતા વધુ પીડિતોના જીવ બચાવે તો પુરસ્કારની રકમ એટલે કે ૨૫ હજાર રૂપિયા પ્રતિ રાહવીર મળશે
એક રાહવીરને વર્ષમાં મહત્તમ પાંચ વખત સુધી આ પુરસ્કાર મળવા પાત્ર રહેશે.
સન્માનિત રાહવીરોના નામ
અનિલભાઈ અમૃતભાઈ રાઠોડ – રહે. આફવા, તા. બારડોલી, જી. સુરત
હિરેનકુમાર દલપતભાઈ ગામીત – રહે. ડુંગરી, તા. માંગરોલ, જી. સુરત
કૌશિકભાઈ વિનોદભાઈ દેસાઈ – રહે. મોરથાણ, તા. ઓલપાડ, જી. સુરત
શીરીષકુમાર ગોવિંદભાઈ વસાવા – રહે. કસાદ, તા. ઓલપાડ, જી. સુરત
સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં પણ ગંભીર માર્ગ અકસ્માતોમાં ઘાયલ વ્યક્તિઓને ગોલ્ડન અવર્સ [પ્રથમ એક કલાક] માં મદદ કરનાર રાહવીરોને આવું જ સન્માન આપવામાં આવશે.

