Gambhira bridge: મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા અત્યંત મહત્વના એવા પાદરા-મુજપુર-ગંભીરા મહીસાગર બ્રિજ પર સ્ટીલનું મજબૂત માળખું બેસાડવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવી છે. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ શનિવારે બ્રિજની સ્થળ મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી. આગામી ટૂંક સમયમાં આ બ્રિજ ટુ-વ્હીલર અને રાહદારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે, જેનાથી હજારો લોકોને મોટી રાહત મળશે.
ભારે હાલાકીનો આવશે અંત
ઉલ્લેખનીય છે કે, ગત જુલાઈ માસમાં ગંભીરા મહીસાગર બ્રિજનો કેટલોક હિસ્સો વહેલી સવારે તૂટી પડ્યો હતો. જેથી 13થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાને પગલે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનો સીધો વાહન વ્યવહાર છેલ્લા ઘણા સમયથી બંધ હતો. બ્રિજ બંધ હોવાને કારણે સ્થાનિક કામદારો, ખેડૂતો અને ખાસ કરીને અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને ભારે અગવડતાનો સામનો કરવો પડતો હતો. લોકોએ લાંબો ફેરો કરીને મુસાફરી કરવાની ફરજ પડતી હતી.
ટેકનિકલ કામગીરી અને સ્ટીલ માળખું
આ બ્રિજના પુનઃનિર્માણની જવાબદારી વિશ્વકર્મા મિકેનિકલ વર્ક્સ દ્વારા સંભાળવામાં આવી છે. ટેકનિકલ પડકારો વચ્ચે, ઈજનેરો દ્વારા P4 અને P5 પિલર વચ્ચે સ્ટીલનું મહાકાય માળખું (Steel Structure) સફળતાપૂર્વક ગોઠવી દેવામાં આવ્યું છે. હાલમાં ફિનિશિંગ અને અંતિમ તબક્કાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
ધારાસભ્યની સ્થળ મુલાકાત
પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ બ્રિજની મુલાકાત લઈ અધિકારીઓ અને કોન્ટ્રેક્ટર સાથે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,લોકોની મુશ્કેલીઓ વહેલી તકે દૂર થાય તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. સ્ટીલ સ્ટ્રક્ચર મુકાઈ જવાથી હવે મોટું કામ પૂર્ણ થયું છે. સુરક્ષાની ચકાસણી કર્યા બાદ ટૂંક સમયમાં જ ટુ-વ્હીલર અને પગપાળા જનારા લોકો માટે બ્રિજ ચાલુ કરી દેવામાં આવશે.
આ સમાચારથી પંથકના ગ્રામજનો અને રોજગાર અર્થે અવરજવર કરતા લોકોમાં આનંદની લહેર જોવા મળી રહી છે. ભારે વાહનો માટેની મંજૂરી આગામી સમયમાં ટેકનિકલ રિપોર્ટ બાદ નક્કી કરવામાં આવશે.
