Vadodara: કરજણ નજીક બેકાબુ ઈકો કાર ધડાકાભેર ઝાડમાં ઘૂસી ગઈ, આમોદની મહિલાનું મોત; 4 ઈજાગ્રસ્ત

આમોદના પાંચેક જેટલા લોકો ડભોઈ જઈ રહ્યા હતા, ત્યારે કરજણ નજીક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 20 Jul 2025 05:07 PM (IST)Updated: Sun, 20 Jul 2025 05:07 PM (IST)
vadodara-news-speeding-eco-car-collided-with-tree-near-karjan-woman-dead
HIGHLIGHTS
  • એક યુવતીની હાલત ગંભીર જણાતા વડોદરા રીફર કરાઈ
  • ઈકો કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો

Vadodara: વડોદરા જિલ્લામાં આજે કરજણ-આમોદ રોડ ઉપર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બેકાબુ ઈકો કાર રોડની સાઈડમાં ઉતરીને ધડાકાભેર ઝાડ સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે 4 ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે પૈકી એક યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભરૂચ જિલ્લાના આમોદમાં રહેતી મહિલાઓ સહિત પાંચેક જેટલા લોકો ઈકો કારમાં ડભોઈ તરફ ઝઈ રહ્યા હતા. આ દરમિયાન કરજણ નજીકથી તેમની ઈકો પસાર થઈ રહી હતી, ત્યારે કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે બેકાબુ બનેલી ઈકો કાર રોડની બાજુમાં ઉતરી ગઈ હતી અને ધડાકાભેર ઝાડ સાથે ભટકાઈ હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ઝાડ સાથે ભટકારા બાદ કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે કારમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે પૈકી એક યુવતીની હાલત ગંભીર જણાતા તેને વધુ સઘન સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવી છે.

બીજી તરફ આ અકસ્માતની જાણ થતાં કરજણ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. હાલ તો કરજણ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.