Vadodara: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત સ્વદેશી અભિયાનને આગળ વધારવા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે વડોદરા જિલ્લાના અકોટા સ્ટેડિયમ ખાતે આજથી 22 ડિસેમ્બર સુધી ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનું ભવ્ય આયોજન શરૂ થયું છે. મેળાનું ઉદ્ઘાટન મુખ્ય દંડક બાળકૃષ્ણ ખડેરાવ શુક્લાના હસ્તે કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય દંડકે મહિલાઓની હસ્તકલા, પરિશ્રમ, પ્રતિભા અને ઉદ્યોગશીલતાની પ્રશંસા કરી હતી. તેમણે વિવિધ સ્ટોલોની મુલાકાત લઈને અનેક ચીજો ખરીદી કરી હતી, જેના કારણે મહિલા ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળ્યું હતું. મેળાના પ્રથમ જ દિવસથી નાગરિકો મોટી સંખ્યામાં આવતા સ્ટોલધારકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.
આ પણ વાંચો
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહીડા, કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, ધારાસભ્ય કેયુર રોકડિયા અને યોગેશ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પરીખ તેમજ જિલ્લા-તાલુકા પંચાયતોના સભ્યો અને વડોદરાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી આ મેળામાં 110થી વધુ સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે. જેમાં ગૃહસજાવટની વસ્તુઓ, પરંપરાગત કલાવસ્તુઓ, હસ્તકૃતિ, વસ્ત્રો, જ્વેલરી, ખાદ્યપદાર્થો, ચર્મકલા, ગુંથણ, ભરતકામ વગેરેની વિશાલ શ્રેણી ન્યાયી અને સહનશીલ દરે ઉપલબ્ધ છે. ખાસ કરીને વડોદરાની સ્થાનિક મહિલા ઉદ્યોગકારોએ તૈયાર કરેલા ઉત્પાદનો નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

આ મેળાની ખાસ વિશેષતા તરીકે કેટલાક અવનવા સ્ટોલનું પણ આયોજન થયું છે. તેમાં ટ્રાન્સજેન્ડર સખી મંડળનો જ્વેલરી સ્ટોલ વિશેષ ચર્ચામાં છે. સખી મંડળની પ્રતિનિધિ કૃતિકા વિનોદભાઈ ઘોંગડેએ જણાવ્યું હતું કે મંડળમાં પાંચ સભ્યો કાર્યરત છે, જે અગાઉ ઘરેથી જ ઉત્પાદન વેચતા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળામાં તક મળતા હવે તેઓ વધુ ગ્રાહકો સુધી પહોંચવા આતુર છે. નાગરિકોએ તેમની મુલાકાત લઈને ખરીદી કરવા અપીલ પણ કરી છે.
મેળામાં મધ્યસ્થ જેલ વડોદરાનો પણ વિશિષ્ટ સ્ટોલ ગોઠવાયો છે. અહીં કેદીઓ દ્વારા બનાવવામાં આવેલા બેકરી પ્રોડક્ટ્સ, ચવાણા, ગાઠિયા, હેન્ડલૂમ પ્રોડક્ટ્સ, રૂમાલ, શેત્રંજી, હેન્ડમેડ બેગ ઉપરાંત સુથારી કામની વસ્તુઓ, ડિટર્જન્ટ, લિક્વિડ સાબુ અને ફિનાઈલ જેવા ઉત્પાદનો ઉપલબ્ધ છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નારીશક્તિને રોજગાર દિશામાં આગળ ધપાવવા અને સમાજમાં સશક્તિકરણનું સશક્ત મોડેલ ઉભું કરવા આ મેળો મહત્વપૂર્ણ સાબિત થઇ રહ્યો છે. નાગરિકોએ પણ સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા મેળાની મુલાકાત લેવાની અપીલ કરવામાં આવી છે.
