Vadodara: વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. જેમાં યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજમાં સિનિયર દ્વારા જુનિયર વિદ્યાર્થીની પજવણી અને મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ છે.
સિવિલ વિભાગના ક્લાસરૂમમાં બનેલી આ ઘટનામાં સિનિયર વિદ્યાર્થી જુનિયર પર અભદ્ર વર્તન કરી રહ્યો છે, અપશબ્દો બોલી રહ્યો છે અને અંતે ઝાપટ પણ મારી દેતા કેમ્પસમાં તણાવના માહોલ સર્જાયા હતા.
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, માત્ર બેન્ચ પર પગ પર પગ ચઢાવીને બેસવાના મુદ્દે આ વિવાદ એટલો વધ્યો કે, સિનિયર વિદ્યાર્થી જુનિયર પર તૂટી પડ્યો હતો. આ ઘટનાને રેગિંગ ગણાવાઈ રહી છે.
આ પણ વાંચો
આ ઘટના બાદ વિદ્યાર્થી સંગઠનો પણ મેદાને આવી ગયા છે. NSUIએ આક્ષેપ કર્યો છે કે માર મારનાર વિદ્યાર્થી ABVP સાથે જોડાયેલો છે અને પ્રિન્સિપાલને રજૂઆત કરીને જવાબદાર વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. બીજી તરફ ABVPએ વિરોધમાં નિવેદન આપ્યું છે કે, જો આરોપી વિદ્યાર્થી તેમનો કાર્યકર્તા હશે તો સંસ્થા પોતે જ તેની સામે કડક કાર્યવાહીની માંગ કરશે અને રસ્ટિકેટ કરવાની ભલામણ પણ કરશે.
જોકે, મામલામાં રસપ્રદ વળાંક ત્યારે આવ્યો જ્યારે માર મારનાર અને માર સહન કરનાર બંને વિદ્યાર્થીઓએ બાદમાં એકબીજાથી માફી માંગી સમાધાન થયું હોવાનો દાવો કર્યો છે. આમ છતાં પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને 7 સભ્યોની તપાસ કમિટી રચના કરી છે. પ્રિન્સિપાલે જણાવ્યું છે કે બંને વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી કાઉન્સેલિંગ કરવામાં આવશે. કમિટીના રિપોર્ટ બાદ આગળની શિસ્તભંગની કાર્યવાહી થશે.
એમએસયુમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડા, રાજકીય ટકરાવ અને હિંસક ઘટનાઓ વધી રહી છે. સુરક્ષા વ્યવસ્થા, કડક પાલન અને કાયદેસર કાર્યવાહી અંગે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે. આ ઘટના બાદ સમગ્ર યુનિવર્સિટી પ્રબંધન પર વિદ્યાર્થીઓ અને માતા–પિતાનું દબાણ વધ્યું છે કે કેમ્પસમાં શૈક્ષણિક વાતાવરણ જળવાઈ રહે તે માટે કડક પગલાં લઈ એક ઉદાહરણ પૂરું પાડવામાં આવે.
