Vadodara: સંજયનગરના રહીશોનો પાલિકા કચેરીએ ‘હલ્લાબોલ’, 10 વર્ષથી ઘરની રાહ જોતા પરિવારોનો પિત્તો ગયો

હાઈકોર્ટના આદેશ છતાં મકાનો ન મળતા અને બિલ્ડરે ભાડું બંધ કરી દેતા સેંકડો પરિવારો રસ્તા પર ઉતરી આવીને પાલિકાએ વિરોધ નોંધાવ્યો હતો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 06 Apr 2026 03:13 PM (IST)Updated: Mon, 06 Apr 2026 03:15 PM (IST)
vadodara-news-sanjaynagar-residents-protes-vadodara-municipal-corporation-office-pmay-delay
HIGHLIGHTS
  • સંજયનગરના રહીશોનો પાલિકા કચેરીએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો
  • ઝૂંપડા તોડીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનું આયોજન કરાયું
  • 1 દાયકો વીતવા છતા હજુ સુધી મકાનોનું કામ પૂરુ થયું નથી

Vadodara News: વડોદરા શહેરના સંજયનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાના હકના ઘરની આશામાં બેઠેલા સેંકડો પરિવારોનો સંયમ સોમવારે આખરે ખૂટી ગયો હતો. છેલ્લા એક દાયકાથી ‘ન ઘરના ન ઘાટના’ બનેલા રહીશોએ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તંત્રની નિષ્ક્રિયતા અને બિલ્ડરની મનમાની સામે રહીશોએ સૂત્રોચ્ચારો પોકારી વાતાવરણ ગજવી મૂક્યું હતું.

naidunia_image

શું છે સમગ્ર મામલો?

વર્ષો પહેલા સંજયનગરના ઝૂંપડા તોડી પાડી ત્યાં પી.પી.પી. ધોરણે પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવવાનું આયોજન કરાયું હતું. રહીશોનો આરોપ છે કે:

  • 10 વર્ષનો લાંબો ઈંતઝાર: એક દાયકો વીતી ગયો હોવા છતાં હજુ સુધી મકાનોનું કામ પૂર્ણ થયું નથી.
  • કોર્ટના આદેશનું ઉલ્લંઘન: નામદાર હાઇકોર્ટ દ્વારા 36 મહિનામાં મકાનો ફાળવવાનો સ્પષ્ટ આદેશ હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.
  • ભાડું બંધ થતા પડ્યા પર પાટું: રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે બિલ્ડર દ્વારા જે ભાડું આપવામાં આવતું હતું, તે પણ છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવાતા આર્થિક રીતે નબળા પરિવારોની હાલત કફોડી બની છે.

મહિલાઓ અને વૃદ્ધોમાં ભારે રોષ

આંદોલનમાં મોટી સંખ્યામાં જોડાયેલી મહિલાઓએ રડતી આંખે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, "અમે ક્યાં સુધી ભાડાના મકાનમાં ભટકીએ? મોંઘવારીના જમાનામાં બિલ્ડરે ભાડું પણ બંધ કરી દીધું છે. એક તરફ ઘર નથી અને બીજી તરફ માથે દેવું વધી રહ્યું છે."

ઉગ્ર આંદોલનની ચીમકી

સ્થાનિક આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, વડોદરા કોર્પોરેશન અને બિલ્ડરની મિલીભગતને કારણે ગરીબ જનતા પિસાઈ રહી છે. જો આગામી ટૂંક સમયમાં મકાનોની ફાળવણી અંગે કોઈ નક્કર અને સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે, તો આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે અને જરૂર પડ્યે રહીશો ગાંધી ચીંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરતા પણ અચકાશે નહીં.

હાલ તો પાલિકા તંત્ર દ્વારા આ મામલે તપાસની ખાતરી અપાઈ છે, પરંતુ 'ઘરના ઘર'ની આશાએ બેઠેલા પરિવારો હવે કોઈ પણ વાયદા માનવા તૈયાર નથી.