Vadodara: વડોદરાના કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં આવેલા સિંહણના પિંજરામાં ઝેરીલો કોબ્રા સાપ ઘૂસી જતાં સમૃદ્ધિ નામની સિંહણને ડંખ માર્યો હતો. આ દુર્ઘટના બાદ સિંહણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાના પગલે પ્રાણી સંગ્રહાલયની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
ગત સોમવારે સાંજના સમયે કમાટીબાગ ઝૂમાં રહેલી 'સમૃદ્ધિ' નામની સિંહણ પોતાના પાંજરામાં આરામ ફરમાવતી હતી. આ દરમિયાન અચાનક ઝેરી કોબ્રા સાપ અંદર આવી ચડ્યો હતો. આથી સમૃદ્ધિએ પોતાના પંજા વડે કોબ્રાને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલા કોબ્રાએ સિંહણને ડંખ મારી દીધો હતો. આથી ઝેરની અસરના કારણે સમૃદ્ધિની તબિયત લથડવા લાગી હતી.
આ પણ વાંચો
બીજી તરફ આ બાબતની જાણ થતાં વેટરનરી તબીબોની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. જેમણે સિંહણને એન્ટી વેનમ ઈન્જેક્શન આપવા સહિત અન્ય સઘન સારવાર શરૂ કરી હતી. જો કે ઝેર આખા શરીરમાં ફેલાઈ જવાના કારણે ત્રણ દિવસની સારવારના અંતે સિંહણનું મોત થયું હતુ.
નિષ્ણાંતોનું માનવું છે કે, કમાટીબાગ ઝૂમાં પ્રાણીઓના પાંજરા નજીક કાંટાળા ઝાડ તેમજ ખુલ્લી જગ્યા હોવાના કારણે સાપનો ત્રાસ વધી ગયો છે. જો ઝૂ સત્તાધીશો દ્વારા સમયસર પાંજરાની આસપાસ સફાઈ સહિતના પગલા લેવામાં આવ્યા હોત, તો સમૃદ્ધિ જીવતી હોત.
હાલ તો તંત્ર દ્વારા સિંહણ સમૃદ્ધિના મોતને લગતા મામલે તપાસ શરૂ કરી છે. આ સાથે જ પ્રાણીસંગ્રહાલયના પિંજરાઓની આસપાસ સાપ ન ઘૂસી શકે તે માટે સુરક્ષા વધારવાના તથા તમામ પિંજરાઓની પેટ્રોલિંગ વધારવાના પગલાં લેવા અંગે વિચારી રહી છે.
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં મતદાન પૂર્વે હાર્ટએટેકથી વકીલનું મોત
વડોદરામાં વકીલ મંડળની ચૂંટણી માટે આજે મતદાન હાથ ધરવામાં આવ્યું હતુ. આ દરમિયાન મતદાન કરવા માટે આવેલા વકીલ અક્ષય માનેને હ્રદય રોગનો હુમલો આવ્યો હતો. જેથી તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ અક્ષય માનેને મૃત જાહેર કર્યાં હતા.
