Vadodara Voter List 2026: વડોદરામાં ચૂંટણી પ્રક્રિયા સંબંધિત એક મહત્વપૂર્ણ પગલાં તરીકે SIR કામગીરી પૂર્ણ થયા બાદ ડ્રાફ્ટ ઇલેક્ટ્રોલ રોલ તૈયાર કરવામાં આવ્યું છે. કલેકટર અનિલ ધામેલીયાએ જણાવ્યું કે, આ કામગીરી અત્યંત મોટાપાયે અને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરાઈ છે. વડોદરા શહેર તથા જિલ્લામાં SIR પ્રક્રિયામાં કુલ 9 હજારથી વધુ કર્મચારીઓ જોડાયા હતા, જ્યારે સમગ્ર કામગીરીનો મુખ્ય યશ BLOને મળવો જોઇએ
શરૂઆતમાં વડોદરાના કુલ મતદારોનો આંક 26 લાખ 81 હજાર 917 હતો. જેમાંથી 21 લાખ 85 હજાર 183 મતદારોનું ડીજીટલાઈઝેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. જોકે 4 લાખ 12 હજાર 485 જેટલા મતદારો પોતાનું નામ 2002 ની મતદાર યાદીમાં શોધવામાં નિષ્ફળ રહ્યા હતા. જેના પરિણામે આ નામોની પુનઃતપાસ પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો
વધુમાં કલેકટર ધામેલીયાએ જણાવ્યું હતું કે, શહેરના અંદાજિત 15 ટકા જેટલા મતદારોનું મેપિંગ હજુ પૂર્ણ થયું નથી, તેથી તેમના જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, બાકી રહેલા દસ્તાવેજો પ્રાપ્ત થતા અંતિમ યાદીમાં વધુ ચોકસાઈ આવશે.
ડ્રાફ્ટ રોલમાં કુલ 5 લાખ 3 હજાર 912 નામોની કમી નોંધાઈ છે. જેમાંથી 1 લાખ 46 હજાર 722 મતદારો મૃત્યુ પામેલા હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે. આ સાથે જ 97,769 મતદારો ગેરહાજર અથવા સંપર્કવિહોણા હોવાનું જણાયું છે. બીજી તરફ 2 લાખ 25 હજાર 581 જેટલા મતદારો સ્થળાંતર થયાના કારણે તેમને હટાવવામાં આવ્યા છે.
સરકારી તંત્ર દ્વારા જણાવાયું છે કે, નવી ડ્રાફ્ટ યાદી ચૂંટણીની પારદર્શિતા, વિશ્વસનીયતા અને સુદૃઢ વ્યવસ્થાપન તરફનું મોટું પગલું છે. હવે વાંધા-અરજી બાદ અંતિમ યાદી તૈયાર કરવામાં આવશે. ચૂંટણી વ્યવસ્થાએ મતદારોને વિનંતી કરી છે કે, પોતાનું નામ યાદીમાં ચકાસીને જરૂરી સુધારો કરાવે જેથી મતાધિકારનો લાભ નિરાંતે લઇ શકે.
