Rajkot: રાજકોટ જિલ્લામાં સક્રિય થયેલી હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ થયા બાદ પોલીસ તપાસમાં એક પછી એક નવા ફણગા ફૂટી રહ્યા છે. જામકંડોરણામાં ગુનો નોંધાયા બાદ હવે જેતપુર પોલીસ મથકે પણ આ ગેંગ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. આ ગેંગે અત્યાર સુધીમાં 40થી વધુ લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હોવાની વિગતો સામે આવતા ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.
સોશિયલ મીડિયાથી સંપર્ક અને બાદમાં લૂંટ તાજેતરમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ ગેંગ સોશિયલ મીડિયાના માધ્યમથી નિર્દોષ લોકોને હનીટ્રેપમાં ફસાવતી હતી. ભોગ બનનારનો સંપર્ક કેળવ્યા બાદ તેને અવાવરું જગ્યાએ મળવા બોલાવવામાં આવતો હતો. જ્યાં ગેંગના અન્ય સભ્યો ત્રાટકીને ભોગ બનનારને ઢોર માર મારતા અને બદનામ કરવાની ધમકી આપી નાણાં ખંખેરતા હતા. જેતપુરના કિસ્સામાં પણ ફરિયાદી પાસેથી આશરે દોઢ લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચો
CDR તપાસમાં 40થી વધુ શિકારનો ઘટસ્ફોટ રાજકોટ જિલ્લા પોલીસે ઝડપાયેલા આરોપીઓના મોબાઈલ ફોનના CDR (કોલ ડિટેલ રેકોર્ડ) મેળવી તપાસ તેજ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આ ગેંગે માત્ર એક-બે નહીં, પણ 40થી વધુ લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. બદનામીના ડરે અનેક લોકો હજુ પણ સામે આવતા ખચકાઈ રહ્યા છે.
પોલીસની કડક કાર્યવાહી: સાત આરોપીઓ ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય પોલીસે આ મામલે અત્યાર સુધીમાં બે મહિલાઓ સહિત સાત આરોપીઓને દબોચી લીધા છે. જ્યારે હજુ પણ બે આરોપીઓ ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
