Vadodara: કરજણમાં રહેતી પરિણીતા સાથે અમદાવાદના એક યુવકે 6 વર્ષ પહેલા દુષ્કર્મ આચાર્ય હતું. જે બાદ દુષ્કર્મીએ ફોન પર હજુ મારી સાથે સંબંધ છે તેવી વાત ફેલાવી સંબંધ બાંધવા માટે ફરજ પાડી હતી. આ માટે બે મિત્રોની મદદથી પરિણીતાને અમદાવાદ લઈ ગયો હતો ત્યાં મૈત્રી કરાર કરવા ફરજ પાડી હતી. જો કે પરિણીતાએ ઈનકાર કરતાં તેને રાજસ્થાન લઈ જઈ 10 દિવસ સુધી ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરજણ પોલીસમાં નોંધાઈ છે.
કરજણમાં રહેતા એક પરિવારની જશુબેને (નામ બદલ્યું છે) કરજણ પોલીસમાં અમદાવાદના સતિષ અશોક ઠાકોર, અજજુ ઠાકોર અને શંભુ ઠાકોર મળી ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો
પોતાની ફરિયાદમાં પીડિતાએ જણાવ્યા મુજબ, આજથી 6 વર્ષ પહેલા સતિષ ઠાકોર તેના ઘરે આવ્યો હતો, જ્યાં એકલતાનો લાભ લઈ બળજબરીથી તેની સાથે શરીર સબંધ બાંધ્યો હતો. ગત 9 મે બાદ આરોપીએ પીડિતાને ફોન કરીને તારા મારી સાથે શરીર સબંધ છે, તેવી વાત કરીને સમાજમાં બદનામ કરી નાંખવાની ધમકી આપી હતી.
જે બાદ ગત 12 મેના રોજ આરોપી સતિષે પીડિતાને ફોન કરીને પોતે લેવા આવતો હોવાનું જણાવ્યું હતુ. જો નહીં આવે તો તારી છોકરી અને પતિને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જે બાદ આરોપી સતિષ ઠાકોર અને તેના બે સાગરિતો શંભુ ઠાકોર અને અજ્જુ ઠાકોર પીડિતાના ઘરની બહાર આવ્યા હતા અને ધમકી આપતા તે ગાડીમાં બેસી ગયા હતા. જ્યાંથી ત્રણેય જણા પીડિતાને અમદાવાદ લઈ ગયા હતા, જ્યાં મૈત્રી કરારમાં સહી કરાવવાની કોશિશ કરી હતી.
જો કે પીડિતા સહી કરવાની ના પાડતા આરોપી સતિષ તેને બસમાં રાજસ્થાન લઈ ગયો હતો. જ્યાં એક મકાનમાં 10 દિવસ સુધી ગોંધી રાખીને અવારનવાર શરીર સબંધ બાંધ્યો હતો. આખરે જેમ-તેમ કરીને પીડિતા હવસખોરની ચુંગાલમાંથી છટકીને કરજણ આવી પહોંચી હતી. જ્યાં તેણે ત્રણેય નરાધમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કરજણ પોલીસે આરોપીઓની ધરપકડ માટે તપાસમા ચક્રો ગતિમાન કર્યાં છે.
