પ્રશાંત ગજ્જર, Vadodara News: વર્ષ 2025ના જુલાઈ મહિનામાં ગંભીરા પુલની દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં બ્રિજોની મજબૂતાઈ અને સલામતી ચકાસવા માટે સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન રણોલી વિસ્તારમાં મીની નદી પર બનેલો આશરે પાંચ દાયકા જૂનો પુલ નબળો હોવાનું સામે આવ્યું હતું.
સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા ગત વર્ષે નવેમ્બરમાં આ પુલ પરથી તમામ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ મૂકીને તેને બંધ કરી દેવાયો હતો. પુલ બંધ થયાને ઘણો સમય વીતી ગયા પછી પણ કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા દૈનિક મુસાફરો, સ્થાનિક નાગરિકો અને વેપારી વર્ગમાં પ્રશાસનની કામગીરી સામે ભારે અસંતોષ ફેલાયો છે.
મુખ્ય માર્ગ બંધ થવાના કારણે વાહનચાલકોને હવે વૈકલ્પિક રસ્તાઓ તરીકે નંદેસરી રેલવે ફાટક કે પછી અનગઢના રામપુરા રૂટનો આશરો લેવાની લાચારી ઊભી થઈ છે. આ ડાયવર્ઝનને લીધે નાગરિકોએ દરરોજ ચારથી પાંચ કિલોમીટર જેટલું લાંબુ અને વધારાનું અંતર કાપવું પડે છે, જેના કારણે કિંમતી સમયની સાથે વાહનોનું ઇંધણ પણ મોટા પ્રમાણમાં વેડફાઈ રહ્યું છે. આ ઉપરાંત નંદેસરી રેલવે ફાટક પરથી સતત પસાર થતી ટ્રેનોને કારણે ફાટક વારંવાર બંધ રહે છે, પરિણામે વાહનચાલકોએ લાંબો સમય ટ્રાફિક જામમાં હેરાન થવું પડે છે.
બીજી બાજુ અનગઢ તરફ જતા રામપુરાનો કાચો રસ્તો ભારે વાહનોના ભારે ભારણથી અસુરક્ષિત બન્યો છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં અકસ્માતનો ડર સતત સતાવી રહ્યો છે. સ્થાનિક ઉદ્યોગોના માલિકો અને કર્મચારીઓને પણ કાચો માલ તેમજ પ્રોડક્ટ્સની હેરફેર માટે મોટી પરેશાની વેઠવી પડે છે.
આ જૂના પુલના રી-ડેવલપમેન્ટમાં રિલાયન્સની વોટર પાઇપલાઇન અને ગેઇલની ગેસ પાઇપલાઇન જેવી મહત્વની યુટિલિટી લાઈનો મોટો અવરોધ બની છે. આ લાઈનોના શિફ્ટિંગ માટે લાંબી બેઠકો અને ચર્ચાઓ છતાં કોઈ ચોક્કસ પ્રગતિ ન થવાથી સમગ્ર પ્રોજેક્ટ ખોરવાઈ ગયો છે, અને પ્રજા એક વર્ષથી આ સમસ્યા ભોગવી રહી છે.
આ પ્રશ્નના નિકાલ માટે નંદેસરી એસોસિએશન દ્વારા માત્ર કાર અને બાઇક જેવા હળવા વાહનો અવરજવર કરી શકે તેવું એક નવું વૈકલ્પિક માળખું ઊભું કરવામાં આવી રહ્યું છે, પરંતુ તાજેતરમાં જ આ નવા બની રહેલા પુલની સેફ્ટી વોલ ધોવાઈ જવાની ઘટના સામે આવતા તેની મજબૂતાઈ અને ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નાર્થો સર્જાયા છે.
એક તરફ મુખ્ય પુલનું કામ અટવાયું છે અને બીજી તરફ નવા સ્ટ્રક્ચરમાં ક્ષતિઓ દેખા દેતા લોકોની ચિંતા વધી ગઈ છે. તંત્ર દ્વારા વહેલી તકે યુટિલિટી લાઈનો ખસેડી મુખ્ય પુલનું કામ ઝડપી બનાવવામાં આવે તેવી લોકમાંગ છે.
