Vadodara: વિશ્વકપ જીત્યા બાદ ટીમની ઑલરાઉન્ડર રાધા યાદવનું વડોદરામાં ભવ્ય સ્વાગત, 6 કિમી રોડ શૉમાં શહેરીજનો ઉમટ્યા

એરપોર્ટ સર્કલથી ખુલ્લી આઈસરમાં રાધા યાદવની સાથે તેના પરિવાર ઉપરાંત સાંસદ ડૉ. હેમાંગ જોશી અને મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 08 Nov 2025 10:07 PM (IST)Updated: Sat, 08 Nov 2025 10:07 PM (IST)
vadodara-news-radha-yadav-grand-welcome-at-airport-road-show-across-the-city
HIGHLIGHTS
  • વડોદરામાં ઠેર-ઠેર રાધા યાદવના પોસ્ટરો લાગ્યા
  • રાધા યાદવે તિરંગો લહેરાવી શહેરીજનોનો આભાર માન્યો

Vadodara: ICC વિમેન્સ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમને હરાવીને ભારતીય મહિલા ટીમ વિશ્વ વિજેતા બની ચૂકી છે. વિશ્વ ચેમ્પિયન ટીમનો હિસ્સો રહેલી ઑલરાઉન્ડર રાધા યાદવ વર્લ્ડકપ જીત્યા પછી પહેલી વાર વડોદરા એરપોર્ટ પર આવી, ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. જે બાદ રાધા યાદવનો શહેરના રસ્તા પર ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે.

આજે રાતે 8 વાગ્યે જ્યારે રાધા યાદવ એરપોર્ટ પર પહોંચી, ત્યારે ઢોલ-નગારાના નાદ સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. જે બાદ રાધાને સરપ્રાઈઝ આપવા માટે એરપોર્ટથી વિજય યાત્રા સ્વરૂપે ભવ્ય રોડ શો યોજાયો છે.

8 કિલોમીટર લાંબો આ રોડ શો એરપોર્ટ સર્કલથી શરૂ થયા બાદ મીરા સર્કલ, સંગમ ચાર રસ્તા, કારેલીબાગ પાણીની ટાંકી, મુક્તાનંદ સર્કલ, આનંદનગર અને અમિતનગર થઈને ક્રિકેટ એકેડમી સુધી જવાનો છે.

રાધા યાદવના રોડ શૉમાં વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશી અને વડોદરા શહેર પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.

ખુલ્લી આઈસરમાં સાંસદ હેમાંગ જોશી, મેયર સહિતના મહાનુભાવો સાથે રાધા યાદવ અને તેમનો પરિવાર વિજય યાત્રા વડોદરા શહેરના માર્ગો પર નીકળી, ત્યારે મોટી સંખ્યામાં શહેરીજનો તેમજ ક્રિકેટ રસિકો ઉમટી પડ્યા હતા. વડોદરા શહેરમાં ઠેર-ઠેર રાધા યાદવના બેનર્સ લગાવવામાં આવ્યા છે.

આઈસરમાંથી રાધા યાદવે તિરંગો લહેરાવીને શહેરીજનોનો આભાર માનતી હોય તેમ થેન્ક્યુ કહ્યું. વડોદરા શહેરમાં ઠેર-ઠેર દેશભક્તિના ગીતો ગુંજી રહ્યા છે, ત્યારે રાધા યાદવ પણ ક્રિકેટ ફેન્સનું અભિવાદન ઝીલી રહી છે.